વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે, ડાંગના ઇન્ચાર્જ કલેકટર બી..બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૦ જાન્યુઆરીના રોજ તાલુકા પ્રાથમિક શાળા આહવા ખાતે થી જિલ્લા કક્ષાના “શાળા સલામતી સપ્તાહ ૨૦૨૫” ની શરૂઆત કરવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત આહવા તાલુકા પ્રાથમિક શાળા ખાતેના પ્રથમ દિવસે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર, બાયસેગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વંદેગુજરાત ચેનલ ૧ પર જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપનના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અનુપમ આનંદ તેમજ અધિક મુખ્ય કારોબારી અધિકારી તેમજ નિયામકશ્રી દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંગેનું મહત્વ સમજાવાત વિવિધ પ્રકારની આપત્તિઓ ને પહોંચી વળવા માટે શાળાના બાળકો તેમજ શિક્ષક અને સ્ટાફ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
“શાળા સલામતી સપ્તાહ ૨૦૨૫” અંતર્ગત જિલ્લા કક્ષાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, નાયબ કલેકટર એમ કે ખાંટ, મામલતદાર ડિઝાસ્ટર એસ. કે. ચૌધરી, ડિ.પી.ઓ-ડિઝાસ્ટર ચિંતન પટેલ, જિલ્લા પ્રાથમિક અધિકારી વિજયભાઇ દેશમુખ, નાયબ જિલ્લા પ્રાથમિક અધિકારી વિજયભાઇ ખાંભુ, તાલુકા પ્રાથમિક અધિકારી વિજયભાઇ ગાયકવાડ તેમજ NDRFના અધિકારી ઉપસ્થિત રહી કાર્યક્રમ અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ૧૦૮ ઇમર્જન્સી ટીમ દ્વારા શાળામાં બનતી દુર્ઘટનાઓ સમયે બચાવ કામગીરી અંગેનું પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, “શાળા સલામતી સપ્તાહ” અંતર્ગત તારીખ ૨૦/૦૧/૨૦૨૫ થી ૨૫/૦૧/૨૦૨૫ દરમિયાન ડાંગ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિવિધ આપત્તિઓ જેવી કે પુર, આગ, વાવાઝોડું, ભૂકંપ જેવા આપત્તિ અંગેની માહિતી તેમજ આપત્તિ સમયે પહેલા અને આપત્તિ બાદ શું કરવું અને શું ના કરવું તે વિશે શાળાના બાળકો ને શિક્ષકો દ્વારા સમજ આપવામાં આવશે.
ડાંગ જિલ્લા ખાતે પસંદ કરાયેલી કુલ ૫૭ જેટલી શાળાઓમાં મેઘા ઇવેન્ટ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જેમાં NDRF ટીમ દ્વ્રારા શોધ અને બચાવ કાર્ય, ૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર અંગેની તાલીમો તેમજ ડેમોસ્ટ્રેશન આપવામાં આવશે. તેમજ ડિઝાસ્ટ શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ફાયર ડેમોસ્ટ્રેશન તેમજ સર્પ ડંખ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ શાળાના સંવેદનશીલ વિદ્યાર્થીને તાલીમબદ્ધ કરવા તેમજ તેમની ક્ષમતામાં વધારો કરવાનો છે.