જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ માટે નવસારી મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓ અરજી કરી શકશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન નવસારી જિલ્લામાં “જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)” શરૂ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. તે અનુસંધાને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નવસારી દ્વારા આ સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ કરવા માટે રસ ધરાવતી શાળાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. શાળાની પસંદગી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નિયમ મુજબ કરવામાં આવશે. નવસારી જિલ્લામાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી શાળાઓનો જ સમાવેશ કરવામાં આવશે.
જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ માટે શાળામાં ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીની શિક્ષણ સુવિધા હોવી જરૂરી છે. સાથે જ રમતના મેદાનો માટે ઓછામાં ઓછી ૩ એકર જમીન તથા શાળામાં ઉપલબ્ધ મેદાન અને ઇન્ડોર રમત માટે જરૂરી માળખાકીય સુવિધાઓ હોવી આવશ્યક છે. વધુમાં ઓછામાં ઓછા ૨૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષામાં સાતત્યપૂર્ણ સારા પરિણામ સાથે લઘુત્તમ ૭૦ ટકા પરિણામ હોવું પણ જરૂરી ગણાશે. પ્રાથમિક ખેલ સુવિધા તથા વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તેવી શાળાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
આ મુજબ માપદંડ ધરાવતી શાળાઓએ તા. ૧૧ માર્ચ- ૨૦૨૬ના રોજ કચેરી સમય દરમિયાન સાંજે ૦૬:૧૦ કલાક સુધીમાં જરૂરી આધાર-પુરાવા સાથે અરજી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, ઓફિસ નં. ૧/૨, બીજો માળ, જવાહરલાલ નેહરુ શોપિંગ સેન્ટર, મોંઢ ધાચી પંચની વાડી સામે, ગુજરાત સમાચારની બાજુમાં, દુધિયા તળાવ, નવસારીને રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા અથવા રૂબરૂ પહોંચાડવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નવસારીનો સંપર્ક કરવો. આ અગાઉ અરજી કરી હોય તે શાળાઓએ પણ ફરજિયાત ફરી અરજી કરવાની રહેશે…



