પરીક્ષા પે ચર્ચા 2025ના ગ્રુપ ડિસ્કશન સેશનમાં અમદાવાદની વિદ્યાર્થિની પલ પટેલની પસંદગી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી પહેલ તરીકે યોજાતા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા 2025 માટે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ન્યુ એલ. ડી. આર. સ્કૂલ, સાઉથ બોપલમાં ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પલ નીલેશભાઈ પટેલની પસંદગી થઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે, જેમાં પલ પટેલે સ્ટુડિયો ગ્રુપ ડિસ્કશન સેશન માટે પોતાનું સ્થાન મેળવ્યું છે. 12 થી 18 જાન્યુઆરી 2025 દરમિયાન દેશભરમાંથી પસંદ કરાયેલા વિદ્યાર્થીઓ આ સેશનમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પલ પટેલે 12 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલા પહેલા ગ્રુપ ડિસ્કશન સેશનમાં ભાગ લીધો હતો. જો તે આ સેશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તો તેને પરીક્ષા પે ચર્ચાના અંતિમ કાર્યક્રમમાં ભાગ લેવાનું સુવર્ણ અવસર મળશે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે.
અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના શિક્ષણાધિકારી કૃપાબહેન જહાએ પલ પટેલની આ સિદ્ધિને રાજ્ય અને શિક્ષણ વિભાગ માટે ગૌરવપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું કે, “આ સિદ્ધિ માત્ર પલ માટે જ નહીં પરંતુ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને તેઓને પણ રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ ઉજ્જવળ કરવા માટે પ્રોત્સાહન આપશે.”
આ કાર્યક્રમમાં પલ પટેલે પોતાની શાળાનું અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરવું એ અમદાવાદ ગ્રામ્ય અને શિક્ષણવિભાગ માટે એક વિશિષ્ટ સિદ્ધિ છે.