સૌની યોજનાના હૃદય સમાન ઢાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત કરતા જિલ્લા સમાહર્તા કલેકટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ
અધિકારીઓએ નર્મદાના નીરને ૨૪ માળ જેટલી ઊંચાઈએ ચડાવવાની પ્રક્રિયા નજીકથી નિહાળી
તા.18/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અધિકારીઓએ નર્મદાના નીરને ૨૪ માળ જેટલી ઊંચાઈએ ચડાવવાની પ્રક્રિયા નજીકથી નિહાળી, સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી કાર્યમાં વધુ સારું સંકલન અને પારદર્શિતા લાવવાના ઉદ્દેશ્યથી, દર માસે યોજાતી જિલ્લા સંકલન સમિતિની બેઠક આ માસમાં એક વિશેષ સ્થળ પર યોજાઈ હતી જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની અધ્યક્ષતામાં લખતર નજીક આવેલા ઢાંકી પમ્પિંગ સ્ટેશન ખાતે આ સંકલન બેઠક યોજાઈ હતી નિયમિત સંકલન બેઠક બાદ, તમામ વરિષ્ઠ અધિકારીઓએ એશિયાના સૌથી મોટા ગણાતા આ ઢાંકી પમ્પિંગ સ્ટેશનની વિસ્તૃત મુલાકાત લીધી હતી આ મુલાકાતનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર માટે ‘જીવાદોરી’ સમાન ‘સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન યોજના’ એટલે કે સૌની યોજનાના હાર્દ સમા આ સ્ટેશનની કાર્યપ્રણાલી, ટેકનિકલ પાસાઓ અને સમગ્ર પ્રક્રિયાને નજીકથી સમજવાનો હતો અધિકારીઓ દ્વારા ઢાંકી પમ્પિંગ સ્ટેશન મારફત નર્મદાના નીરને ૨૪ માળ જેટલી ઊંચાઈ સુધી કેવી રીતે ચડાવવામાં આવે છે અને તેમાંથી સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી અને અમદાવાદ સહિતના જિલ્લાઓને કેવી રીતે લાભ મળે છે તેની સચોટ માહિતી આપવામાં આવી હતી કલેકટર અને અન્ય અધિકારીઓએ પમ્પિંગ યુનિટ્સ, કંટ્રોલ રૂમ, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું આ એન્જિનિયરિંગ માર્વેલની કામગીરી અને તેની જાળવણીની પદ્ધતિ જોઈને સૌ અધિકારીઓ પ્રભાવિત થયા હતા જિલ્લા કલેક્ટરએ આ યોજનાના મહત્ત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ઢાંકી પમ્પિંગ સ્ટેશન માત્ર એક માળખું નથી પણ આ વિસ્તારના ખેડૂતો અને પ્રજા માટે આશીર્વાદરૂપ યોજનાનું હૃદય છે આ યોજના સુરેન્દ્રનગર જિલ્લાને સૌરાષ્ટ્ર-કચ્છનું પાણિયારૂં બનાવવામાં નિમિત્ત બની છે આ મુલાકાતમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞીક, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. જાલંધરા, સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મામલતદારઓ, સર્વે તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.