વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ચિકટિયા ગામમાં અચાનક આવેલા જળ પ્રકોપે ભારે તારાજી સર્જી છે મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા ખાપરી નદીમાં ભયાનક પૂર આવ્યુ હતુ.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચિકટિયા ગામમાં આ પ્રકારનો જળ પ્રકોપ પહેલીવાર આવ્યો હતો, જેણે ગામના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યુ છે.આ જળ પ્રકોપને કારણે ગામમાં આઠ પશુઓ તણાઈને મોતને ભેટ્યા હતા,જેમાં ત્રણ ગાયોનો પણ સમાવેશ થાય છે.ગામના અગિયાર પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યુ હતુ. આ ઉપરાંત, પૂરના પ્રવાહમાં ગામના મંદિરનો શેડ પણ તણાઈ ગયો હતો.આ જળ પ્રકોપના કારણે ગામના એક ઉત્સાહી યુવાન ઉદયભાઈને લાખોનું નુકસાન થયુ છે.નવરાત્રી નિમિત્તે ઉદયભાઈએ પોતાના ડી.જેનો આઈસર ટેમ્પો ગાડી મંદિર પાસે રોડની બાજુમાં ઢાંકીને પાર્ક કર્યો હતો.રાત્રે લગભગ ત્રણથી પાંચ વાગ્યાના સમયગાળામાં પાણીના પ્રવાહનું જોર કલ્પનાતીત રીતે વધ્યુ,જેનાથી જમીનથી અગિયાર ફૂટ પાણીમાં આખો ટેમ્પો ડૂબી ગયો હતો.માંડ-માંડ જોખમ ખેડીને એક વૃક્ષ સાથે દોરડું બાંધવાથી ટેમ્પો તણાતા-તણાતા બચી ગયો, પરંતુ ટેમ્પો સાવ ભંગાર અવસ્થામાં આવી ગયો છે.તેમાં રહેલુ છ લાખનું જનરેટર અને મોટા સ્પીકર સહિતની સાઉન્ડ સિસ્ટમ સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ છે.માત્ર જનરેટર અને સાઉન્ડ સિસ્ટમમાં જ આશરે નવ લાખ રૂપિયાનું નુકસાન થયુ હોવાનો અંદાજ છે.આ વિનાશની જાણ થતા જ ડાંગ જિલ્લા પ્રયોશા પ્રતિષ્ઠાન અને સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગામનાં પ.પૂ. પી.પી. સ્વામીજી તાત્કાલિક ચિકટિયા ગામની મદદે દોડી આવ્યા હતા.પી.પી.સ્વામીજીએ પૂરગ્રસ્ત પરિવારો અને પશુઓના મોતની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને રાહતની કામગીરી શરૂ કરાવી હતી.પી.પી. સ્વામીજીની આગેવાની હેઠળ સંસ્થા દ્વારા નુકસાનગ્રસ્ત અગિયાર પરિવારોને તાત્કાલિક મદદરૂપ થવા માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ કીટમાં દશ કિલો ચોખા, લોટ, દાળ, કઠોળ, બિસ્કીટ, નાસ્તો, ડુંગળી, બટાકા, પાંચ-પાંચ ગરમ ધાબળા, સાડી અને ટુવાલ વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ થતો હતો.સેવાભાવી સંસ્થાની આ તાત્કાલિક મદદથી પૂરગ્રસ્તોને મોટી રાહત મળી છે..