ANJARGUJARATKUTCH

અંજારમાં સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા રામનવમીના રથયાત્રામાં 20,000.થી વધુ ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કર્યું

રામ નવમીની ભવ્ય રથયાત્રા પ્રસંગે જીવદયા માટે અનોખું સેવા કાર્ય મંત્રી ત્રિકમભાઇ છાંગાના હસ્તે વિતરણ દાતાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાહભર્યો સહયોગ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ ;- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૨૯ માર્ચ : અંજાર શહેરમાં રામ નવમીના પાવન અવસરે યોજાતી ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાના પ્રસંગે સેવા સમર્પણ ટ્રસ્ટ – અંજાર દ્વારા જીવદયા અને સેવા ભાવનાને પ્રોત્સાહિત કરતું અનોખું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા ચકલી ઘર તેમજ પક્ષીઓ માટે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવા કાર્ય હેઠળ અંદાજે ૧૦,૦૦૦ જેટલા ચકલી ઘર અને ૧૦,૦૦૦થી વધુ પાણીના કુંડા રામનવમીના રથયાત્રામાં સહભાગી થનાર ભક્તોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે ટ્રસ્ટના સ્ટોલની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાનું ટ્રસ્ટના પ્રમુખ અને કાર્યકર્તાઓ સ્વાગત કર્યું હતું. મંત્રીશ્રીએ પણ પોતાના હસ્તે ભક્તોને ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરી સેવા કાર્યમાં સહભાગી થયા હતા. ટ્રસ્ટના પ્રમુખશ્રીએ માનનીય મંત્રીશ્રીને ભારત માતાની છબી અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ સમિતિના પ્રમુખ શ્રી મેઘજીભાઇ હિરાણીએ પણ સ્ટોલની મુલાકાત લઈને ટ્રસ્ટની કામગીરીની સરાહના કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી.આ સમગ્ર સેવા કાર્યમાં દાતાશ્રીઓનો વિશેષ સહયોગ રહ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખશ્રી પરેશભાઇ માલસતરે દાતાઓનો આભાર વ્યક્ત કરી દાતાશ્રીઓને સન્માનિત કર્યા હતા. અનેક દાતા પરિવારો વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહી વિતરણ કાર્યમાં જોડાયા હતા.મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને સેવા કાર્યને સફળ બનાવવા માટે પોતાનો અમૂલ્ય સમય અને પરિશ્રમ અર્પણ કર્યો હતો. સંસ્થાના પ્રમુખ પરેશભાઇ માલસતરે સૌ દાતાઓ, શ્રેષ્ઠીઓ, સ્ટોલની મુલાકાત લઇને પ્રોત્સાહન પૂરું પાડનાર અગ્રણીઓ તેમજ તમામ કાર્યકર્તાઓનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!