BHUJGUJARATKUTCH

નોખાણિયા પ્રા. શાળામાં રૂ. ૪.૩૦ લાખના ખર્ચે રંગ રોગાન કરાવી આપનાર જાણીતા દાતા શાંતિલાલ ભંડેરીનું ભવ્યાતિભવ્ય સન્માન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૧૯ નવેમ્બર : મૂળ રામપર વેકરા અને હાલે નૈરોબી (કેન્યા) ખાતે રહેતા સખાવતી એન.આર.આઈ. દાતા શાંતિલાલ ભાઈ ભંડેરી અને તેમના ધર્મ પત્ની ધનુબેન ભંડેરી દ્વારા તાજેતરમાં ભુજ તાલુકાની નોખાણિયા પ્રા. શાળામાં રૂ. ૪.૩૦ લાખના ખર્ચે શાળાના ૭ વર્ગખંડો ઉપરાંત પ્રાર્થના શેડ, મધ્યાહન ભોજન કિચન શેડ, ટોયલેટ વગેરેમાં કલરકામ કરી આપવાની સાથે શાળાના તમામ વર્ગખંડો માટે ૨૧ ટ્યુબલાઈટ પણ લગાવી આપવામાં આવી હતી. આ તકે શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા શાળામાં દાતા પરિવારનો ભવ્ય સન્માન સાથે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે શાળાની બાળાઓએ સામૈયા સાથે કુમકુમ તિલક વડે સૌ મહેમાનોનું અભિવાદન કર્યું હતું. શાળાના પ્રાંગણમાં યોજાયેલ સત્કાર સમારંભમાં પ્રાર્થના અને મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટય બાદ બાળાઓએ સ્વાગત ગીત દ્વારા સૌને આવકાર્યા હતા. સૌની ઉપસ્થિતિમાં દાતા પરિવાર દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આ વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્ય દામજી ચાડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, સિ. ઉપપ્રમુખ જીતેન્દ્ર ઠક્કર,બી.આર.સી. કો. ઓર્ડીનેટર ભરતભાઈ પટોડિયા, યુવા ઉદ્યોગપતિ ભરત છાંગા, ભુજ તાલુકા સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, જિલ્લા કેળવણી નિરીક્ષક કિશોર વેકરિયા,પૂર્વ બી.આર.સી. કો. ઓર્ડીનેટર ભૂપેશ ગોસ્વામી, હરિભા સોઢા, શિક્ષણપ્રેમી દાતા પ્રવિણ ભદ્રા, શિક્ષક અગ્રણીઓ જટુભા રાઠોડ, રાણાજી જાડેજા, જેતમાલજી જાડેજા, સી.આર.સી. પ્રદીપ જાદવ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શાળા પરિવાર, એસ.એમ.સી. અને ગ્રામજનો વતી દાતા ભંડેરી દંપતીનું બુકે, ફુલહાર, સન્માનપત્ર, કચ્છી પાઘડી તેમજ તલવાર વડે ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પ્રાસંગિક ઉદબોધનમાં અધિકારી અને પદાધિકારીઓએ દાતા પરિવારની દિલેરીને બિરદાવતા જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં જ્યારે દરેક જગ્યાએ દાતાઓ મળવા મુશ્કેલ હોય છે અને સરકારી ગ્રાન્ટોની પણ અમુક મર્યાદા હોય છે ત્યારે આવા કર્ણ અને ભામાશા સમાન દાનવીરો કે જેઓ કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણને મળે એ આપણાં સૌનું સદભાગ્ય કહેવાય. તેઓએ દાતા પરિવાર દ્વારા આવા સેવાકીય કાર્યો હંમેશા થતા રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. પોતાના સન્માનના પ્રત્યુતરમાં દાતા પરિવાર પણ લાગણીથી ભાવવિભોર બની સૌ આયોજકોનો ખરા દિલથી આભાર માની ઋણ સ્વીકાર કર્યો હતો અને તેમનો સેવાયજ્ઞ ચાલુ રહેશે તેવી ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ દાતા પરિવાર દ્વારા કચ્છ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓની મળી ૬૫ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓમાં અંદાજિત રૂ. ૩ કરોડથી વધુ રકમ ખર્ચી ભૌતિક સુવિધાઓ ઉભી કરાઈ છે. સન્માન કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સદસ્યો વાલીબેન છાંગા, ગીતાબેન ચાડ, પેટા શાળાઓના આચાર્યો, એસ.એમ.સી. સદસ્યો અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પંચાયત સદસ્ય લખમણ મેરિયા, કુનરિયા જૂથ ગ્રામ પંચાયતના ઉપસરપંચ સુરેશ છાંગા, શિક્ષક સંઘના વિલાસબા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેહુલ જોશી સહિતનાઓએ આયોજનને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. મહેમાનો, શાળાના બાળકો અને સમસ્ત ગ્રામજનો માટે ગામના યુવા ઉદ્યોગપતિ ભરત છાંગા તરફથી અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી તો શિક્ષણ પ્રેમી પ્રવિણ ભદ્રા સન્માન સમારોહના દાતા તરીકે સહયોગી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ કર્યું હતું, જ્યારે સ્વાગત પ્રવચન મ. શિ. લીલાધર બીજલાણીએ અને આભારવિધિ બ્રિજેશ બૂચે કરી હતી. આયોજનને સફળ બનાવવા શાળાના શિક્ષકો કેશુ ઓડેદરા, નિરાલી મહેતા ઉપરાંત એસ.એમ.સી. અધ્યક્ષ હરિભાઈ ચાડ, ભીલાલ સમા, નારાણ માતા, મનજી છાંગા, અબ્દુલ સમા, પ્રવિણ છાંગા , કાનજી છાંગા, મામદ સમા, દામજી છાંગા, જુમા સુમરા, રમેશ માતા, કિશોર ચાડ, નાનજી કાપડી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!