GUJARATKUTCHMUNDRA

શ્રાવણ માસમાં શિવના પોઠીયા નંદીની સેવા: કચ્છના બળદિયા ગામનું અનોખું નંદીઘર બન્યું પ્રેરણાદાયી ઉદાહરણ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટર :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા.૨૭ જુલાઈ : પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ અને આરાધનાનો મહિનો છે, જ્યાં ભક્તો શિવ મંદિરોમાં ભાવપૂર્વક નંદીની પૂજા કરે છે. જોકે, આધુનિક ખેતી પદ્ધતિઓના કારણે બળદોનો ઉપયોગ ઘટતાં, ઘણા માલિકો તેમને રસ્તા પર છોડી દે છે, જેનાથી બિનવારસુ પશુઓ એક સામાજિક સમસ્યા બની રહ્યા છે. આવા સમયે, કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના બળદિયા ગામ નજીક કાર્યરત એક અનોખું “નંદીઘર” સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ નંદીઘર કદાચ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં બળદો માટેનું એકમાત્ર નંદીઘર હોવાનું માનવામાં આવે છે.

આ નંદીઘરમાં હાલ 700 થી 800 જેટલા બળદો (નંદી) ને વિનામૂલ્યે આશ્રય આપવામાં આવે છે. અહીં તમામ પશુઓ માટે દાણ, પાણી, અને લીલા ચારા સહિતની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ સેવાયજ્ઞના મુખ્ય સ્થાપક હરજીભાઈ છે, જેમણે પોતાના પિતાશ્રી સ્વ. કરસન દેવરાજ ગોરસીયાની પ્રેરણાથી છેલ્લા ચારેક વર્ષથી આ કાર્ય શરૂ કર્યું છે અને જીવનભર નંદીઓની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. નંદીઘરના દિલીપસિંહ હરુભા સોઢાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે કોઈપણ ગામના રખડતા અને બિનવારસુ નંદીઓને અહીં વિનામૂલ્યે રાખવામાં આવે છે.

આ નંદીઘરની વિશિષ્ટતા એ છે કે તે માત્ર ગાયો માટે નહીં, પરંતુ ખાસ કરીને આખલા (બળદ/નંદી) માટે નિ:સ્વાર્થ સેવા પૂરી પાડે છે. જ્યાં મોટાભાગની પાંજરાપોળો ગાયોના દૂધ, છાશ, છાણ અને ગૌમૂત્રના વેચાણથી પોતાનો નિભાવ ખર્ચ કાઢે છે, ત્યાં આ નંદીઘર કોઈપણ આવક વિના દર મહિને અંદાજે રૂ. 1 લાખ જેટલો નિભાવ ખર્ચ ઉઠાવે છે.

શ્રાવણ માસમાં જ્યારે નંદીની પૂજાનું વિશેષ મહત્વ છે, ત્યારે આવા બિનવારસુ નંદીઓની સેવા કરવાનો આ પ્રેરણાદાયી પ્રયાસ સમસ્ત સમાજ માટે એક આંખ ઉઘાડનારી ઘટના છે. આ પવિત્ર સેવાયજ્ઞમાં દાન, ચારો કે સેવા દ્વારા સહભાગી થવા માટે દરેક વ્યક્તિને અપીલ કરવામાં આવે છે.

સ્થળ: નંદીઘર, બળદિયા ભારાપરની વચ્ચે, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ, ગુજરાત.સંપર્ક: હરુભા સોઢા – 9909530465.

Back to top button
error: Content is protected !!