
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૧૩ માર્ચ : શ્રી સરકારી માધ્યમિક શાળા – માય,તા.ભચાઉ ખાતે GEER FOUNDATION પ્રેરિત Reduce Plastic Waste કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર સમસ્યા બની રહ્યો છે. આ બાબતે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા તથા પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્લાસ્ટિક વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી. તેમાં પ્લાસ્ટિક શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે, પ્લાસ્ટિકનું યોગ્ય વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેમજ પ્લાસ્ટિકના અતિરિક્ત ઉપયોગથી પર્યાવરણ પર થતી હાનિકારક અસરો વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા માટે કયા યોગ્ય અને વ્યવહારુ ઉપાયો અપનાવી શકાય તેની પણ સમજ આપવામાં આવી.
વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને જાગૃતિ વધે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં “No Plastic Use” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક મુક્ત જીવન અંગે સુંદર ચિત્રો દોર્યા હતા. ઉપરાંત “Best out of Plastic Waste” પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓએ ઉપયોગમાં આવી ગયેલા પ્લાસ્ટિકમાંથી ઉપયોગી અને આકર્ષક વસ્તુઓ બનાવી પોતાની કળા પ્રદર્શિત કરી હતી.
આ સાથે શાળા તથા તેની આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવા માટે પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઇવ પણ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શાળા પરિસર અને આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધવા સાથે પ્લાસ્ટિકના ઘટાડા માટે સકારાત્મક વિચારધારા વિકસાવવામાં મદદ મળી હતી. કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.આમ આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.




