
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા -૨૫ જાન્યુઆરી : ભુજ ખાતે શ્રી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટ્યૂટમાં તા.૨પ જાન્યુઆરી,૨૦૨૫ના રોજ કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ‘૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૫’ ની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ મતદાતા દિવસ નિમિત્તે મતદાન અને નાગરિકોની ફરજ અંગે પ્રાસંગિક પ્રવચન કરીને તેનું મહત્વ સમજાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિએ મતદાનના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપીને ચૂંટણીમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવનારા કર્મયોગીઓને બિરદાવ્યા હતા. રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણી કાર્યક્રમમાં નવા મતદારોને ચૂંટણી કાર્ડ આપીને તેમનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત જિલ્લા શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારીશ્રી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી, બી.એલ.ઓ, સેક્ટર ઓફિસર અને કેમ્પસ એમ્બેસેડરની કામગીરીને મહાનુભાવોએ પ્રમાણપત્ર આપીને બિરદાવી હતી. આ પ્રસંગે યુવા મતદાર મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધાઓ જેવી કે, શોર્ટ વીડિયો, ઈ-પોસ્ટર્સ, ઝીંગલ્સ, ટેગલાઈન/સ્લૉગન, પૉસ્ટર ડિઝાઈન વગેરે કેટેગરીમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.જે.ચુડાસમા, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ.અનિલ જાદવ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, ચૂંટણી મામલતદારશ્રી પુલીન ઠાકર, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી એ.એન.શર્મા, ભુજ શહેર મામલતદારશ્રી ડી.કે.રાજપાલ, શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી, કોલેજના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકગણ અને કોલેજની વિદ્યાર્થિનીઓ, નવા મતદારો, ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.







