SIR વિલંબીત થશે,પંચાયત તથા વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે, વિપક્ષોની તાકાતને રોકવાની કવાયત:દિનેશ બારીયા

તારીખ ૨૪/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા દિનેશ બારીઆએ આજ રોજ મતદાર સુધારણા કાર્યક્રમ વિશે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, ભારતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરું કરવામાં આવ્યો છે જે એક રીતે સારી બાબત છે પરંતુ તેનો ઉપયોગ, દુર ઉપયોગ પણ સરકાર અને સત્તા પક્ષ દ્વારા થઇ શકે તો નવાઈ નહીં. ગુજરાતમાં ચાલું વર્ષે તાલુકા, જિલ્લા પંચાયત તથા કેટલીક નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાવાની હતી અને તેની તૈયારીઓ પણ ખાસ કરીને વિપક્ષો દ્વારા ઘણા સમયથી શરૂ કરી દેવામાં આવી છે જ્યારે સત્તાધારી પક્ષ ભાજપ જેમ અગાઉ થી જાણતું હોય તેમ કોઈ પણ પ્રકારની ચૂંટણી લક્ષી હરકતમાં દેખાયું નથી કેમ ? કારણ કે ભાજપે – સરકારે કોઈ ચોક્કસ રણનીતિ ઘડી હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ અને સમર્થન ખુબ વધી રહ્યું છે તે જોતા જો સ્થાનિક પંચાયતોની ચૂંટણી હાલ યોજાય તો ઘણી મોટી સંખ્યામાં તાલુકા – જિલ્લા – નગરપાલિકા વોર્ડ ની બેઠકો જીતી શકે તેવું વાતાવરણ ઊભું થયું છે જેના કારણે ભાજપ ચિંતા માં મૂકાયું છે જેથી એક અનુમાન લગાવી શકાય છે કે આ ચિંતા ના કારણે ગુજરાતમાં સ્થાનિક પંચાયતોની ચૂંટણીને પાછી ઠેલવામાં આવે અને વિધાનસભાની ચૂંટણી ની સાથે રાખવામાં આવે જેથી One Nation, One Election નો અમલ કરવાના વિચારને તર્ક પણ મળી રહે.આ એક પ્રકારની રણનીતિ ઘડી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ માની શકાય. જો સમયસર (હાલ) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તો વિરોધ પક્ષની બેઠકો આવી શકે, રાજકીય તાકાત વધે અને વિધાનસભાની ચૂંટણી વખતે વધારે તાકાત મળે અને વિધાનસભાની બેઠકો જીતવામાં વિરોધ પક્ષ સફળ થાય તેને અટકાવવા સત્તા પક્ષ અને સરકાર દ્વારા SIR લાવી રણનીતિ ઘડી હોય તેવું લાગી રહ્યું છે. ગમે તેમ કરીને SIR ની કામગીરી વિલંબીત કરીને પંચાયતો અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવામાં આવે જેથી કરીને વિરોધ પક્ષના નેતાઓને પોતાની બેઠકો સિવાય બીજે પ્રચાર કરવાનો સમય જ ના મળે અને સ્થાનિક નેતાઓ, કાર્યકરોને આધારે ચૂંટણી થાય જેથી વિપક્ષોને ઇચ્છિત પરિણામ લાવવામાં મુશ્કેલી ઉભી થાય તેવી કૂટનીતિ, રણનીતિ ભાજપ અને સરકાર અપનાવી રહ્યું હોય એવું કહી શકાય.આમ પણ સરકાર વન નેશન વન ઇલેક્શન ની વાત છેડી ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં શરુઆત કરવા જશે. બાકી હાલ ગુજરાતમાં SIR ની ખાસ જરુરીયાત લાગતી નહોતી છતાં SIR લાવી દિધું છે તેનું કારણ વિપક્ષોની તાકાત ને ઓછી કરવાનું પણ હોય શકે. મતદાર યાદી સુધારણા જરુરી તો છે જ પણ નજીકમાં જે રાજ્યોમાં ચૂંટણી ના હોય ત્યાં થવું જોઈએ જેથી પુરતો સમય મળે અને સરળ તથા સહજ રીતે થઇ શકે પરંતુ રાજકારણમાં જીતવા માટે, વિરોધ પક્ષોને રોકવા માટે રણનીતિ એ પણ ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે જે ભાજપ બનાવી રહ્યું છે જે વિપક્ષોએ સમજવાની જરૂર છે. બાકી પ્રચાર પ્રસાર, વાતાવરણ, મુદ્દા ની સાથે સાથે રણનીતિ પણ ઇચ્છિત પરિણામ લાવવામાં ઘણો મહત્વનો ભાગ ભજવી જાય છે તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆએ પોતાની પ્રતિક્રિયા આપી છે.





