GUJARATKUTCHNAKHATRANA

નાની પહેલ, મોટો સંકલ્પ “પ્લાસ્ટિક મુક્ત વિધાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા” વિધાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે લેવાયેલ એક સશક્ત કદમ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૧૬ જાન્યુઆરી : હાલમાં નિરોણા ગામ મધ્યે હાઇસ્કૂલની વિધાર્થીનીઓના નવતર પ્રયોગ સહ પ્રયાસથી પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક પ્રેરણાદાયી અને અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યુ છે. “પ્લાસ્ટિક મુક્ત વિધાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા” અભિયાન અંતર્ગત સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણાના આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન સાથે ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાનીના સંકલનથી ધોરણ–૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાનવી ગાગલે પોતાના ૧૬મા જન્મદિવસને પરંપરાગત ઉજવણીથી અલગ રીતે ઉજવી સમાજને નવી દિશા આપવાનો પ્રયાસ કરેલ છે.

જાનવીએ પોતાના ૧૬માં જન્મદિવસ નિમિત્તે ૧૬ પ્લાસ્ટિક બોટલમાં પ્લાસ્ટિકનો કચરો ભરી, તમામ બોટલ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળામાં વર્ગ શિક્ષકને જમા કરાવેલ હતી. આ અનોખી અને સંવેદનશીલ પહેલથી પ્રેરણા લઈને ધોરણ–૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સુગરાબાઈ કુંભારે પણ પોતાનો જન્મદિવસ એ જ રીતે ઉજવી અભિયાનને આગળ ધપાવેલ હતુ.આ અભિયાનને વધુ વેગ આપતા ધોરણ–૯ની વિદ્યાર્થીનીઓ હેન્સી સીજુ અને ઝીલ નઝારે ધોરણ–૧૦માં અભ્યાસ કરતી રીંકુ નઝારની મદદથી પોતાની શેરીમાં પડેલી ૧૨૭ ખાલી પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરી શાળામાં જમા કરાવી, “પ્લાસ્ટિક મુક્ત નિરોણા”ના સંકલ્પને ફરી એકવાર દ્રઢ બનાવ્યો હતો. એકત્રિત કરેલ પ્લાસ્ટિક બોટલનો શાળા પરિવાર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવશે.એક નાનકડી દીકરીની વિચારશીલ પહેલથી શરૂ થયેલું આ નાનકડુ અભિયાન હવે સામુદાયિક સ્વરૂપ ધારણ કરશે. ગામના નાગરિકો તેમજ વેપારી એસોસિએશન સ્વેચ્છાએ આ અભિયાનમાં જોડાઈ લોકભાગીદારીથી “પ્લાસ્ટિક મુક્ત નિરોણા” ના સંકલ્પને સાકાર કરવા પ્રયત્ન કરશે તેવી આશા સેવાઇ રહી છે. ગામના સરપંચ નરોત્તમભાઈ આહિરે નાનકડી દિકરીઓની આ નાનકડી હકારાત્મક પહેલને આવકારી છે.આ ઘટનાએ સાબિત કર્યું છે કે પર્યાવરણ સંરક્ષણ માટે મોટી ઉંમર નહીં, પણ દ્રઢ ઇચ્છા શક્તિ અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ હોવા જરૂરી છે.

Back to top button
error: Content is protected !!