રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
દશેરા (ગાંધી જયંતિ)ના પાવન દિવસે ગામોના સર્વાંગી વિકાસ માટે ખાસ ગ્રામસભાઓ
મુંદરા, તા. 29 : ગુજરાત રાજ્યમાં આવતી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ અને દશેરાના પાવન દિવસે દરેક ગામે ખાસ ગ્રામસભાઓ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અધિક વિકાસ કમિશનરશ્રી ડો. ગૌરવ દહિયાએ ખાસ માર્ગદર્શિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. પરંતુ ગુજરાત રાજય તલાટી-મંત્રી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદી અને મહામંત્રી રામભાઈ દેસાઈ દ્વારા સંયુક્ત રીતે મુખ્યમંત્રીને કરેલી એક રજુઆતમાં દશેરાના પાવન દિવસે ગ્રામસભા યોજવાથી ધાર્મિક વિધિઓ હોવાને કારણે ગ્રામસભાઓ યોગ્ય રીતે યોજાઈ શકે તેમ નથી એવું જણાવીને જો આ દિવસે ગ્રામસભા યોજવાની જ હોય તો તેના બદલે વળતર રજા આપવાની માંગણી કરવામાં આવી છે. બીજી બાજુ ઘણા સમયથી સાચા અર્થમાં ગ્રામસભાઓ યોજાતી નથી અને માત્ર કાગળ ઉપર સીમિત રહી ગઈ છે. તેથી હવે એ જોવાનું રહ્યું કે આ વખતે ગ્રામસભાઓ યોજવામાં આવશે કે નહીં?
આ ખાસ ગ્રામસભામાં સરકારના ઠરાવ મુજબ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની રહેશે. આદિ કર્મયોગી અભિયાન હેઠળ આદિજાતિ વિકાસ વિભાગના વિષયો પર ચર્ચા થશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના પરિશિષ્ટ મુજબ મહિલા કલ્યાણ, આરોગ્ય અને બાળ સુરક્ષા સંબંધિત વિષયો પર ચર્ચા થશે. સાથે સાથે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન” અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે, ક્ષયરોગ સામે મદદરૂપ થવા નિક્ષય મિત્ર બનવા માટે નોંધણી કરાશે અને રોજિંદા જીવનમાં તેલના વપરાશમાં ઘટાડા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
મહિલાઓ અને બાળકોને લગતા મુદ્દાઓને વિશેષ સ્થાન મળે તે માટે મુખ્ય ગ્રામસભા પહેલાં બાળ સભા, બાલિકા સભા અને મહિલા સભાનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે ગામના મહિલા મંડળોની બહેનોને અગાઉથી બેઠક બોલાવી તેમને જાગૃત કરવામાં આવશે, જેથી તેઓ પોતાની વાત વિશ્વાસપૂર્વક મુખ્ય ગ્રામસભામાં રજૂ કરી શકે. આ સભાઓમાં ઉપસ્થિત પ્રશ્નો લેખિત સ્વરૂપે મેળવી મુખ્ય ગ્રામસભાના એજન્ડામાં સામેલ કરાશે. એક અંદાજ મુજબ હાલે કચ્છ જિલ્લામાં 7,535 સખી મંડળો કાર્યરત છે જેની બીજી ઓક્ટોબર પહેલા મિટિંગ બોલાવવાની સૂચના આપવામાં આવી છે.
“બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ઠરાવ પસાર કરીને સર્વાનુમતે સંકલ્પ લેવાશે કે ગામમાં કોઈ બાળલગ્ન નહીં કરવામાં આવે અને જો આવી માહિતી મળશે તો ગામજનો તેને રોકવા માટે સંકલ્પબદ્ધ રહેશે. બાળલગ્ન નિવારણ કાયદા અંગે લોકોને સમજ આપવામાં આવશે અને બાળલગ્નના દોષપ્રભાવો સમજાવવામાં આવશે.
આ ઉપરાંત પંચાયત વિકાસ યોજના તૈયાર કરવી, આવતા વર્ષ માટેના વિકાસ કાર્યોને સ્થાન આપવું, પંચાયત વિકાસ સૂચકાંક અનુસાર જરૂરી પ્રવૃત્તિઓ નક્કી કરવી, “બાળમૈત્રીપૂર્ણ અને બાળમજૂર મુક્ત ગામ” બનાવવાના પગલાં અંગે ચર્ચા કરવી, માછીમારોને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંગે માહિતગાર કરવા પણ આ ગ્રામસભાનો ભાગ રહેશે.
દરેક ગ્રામસભામાં સરકારી કર્મચારીઓ – તલાટી, ગ્રામ સેવક, આરોગ્ય કર્મચારી, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ ફરજીયાત હાજર રહેશે. જિલ્લા તથા તાલુકા વિકાસ અધિકારીઓ સમયપત્રક બહાર પાડશે અને ધારાસભ્યો તથા સાંસદોને આમંત્રણ મોકલી તેમની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરશે. દરેક તાલુકામાં જિલ્લા કક્ષાના અધિકારીને મુખ્ય જવાબદારી સોંપવામાં આવશે અને બાલિકા પંચાયતના સભ્યોને પણ હાજર રાખવામાં આવશે.
રાજ્ય, જિલ્લા તથા તાલુકા કક્ષાએથી ગ્રામસભામાં થયેલ વિશિષ્ટ કામગીરી અંગે પ્રેસ નોંધ પ્રકાશિત કરવામાં આવશે. ગ્રામસભામાં ઉઠેલા પ્રશ્નોની માહિતી સંબંધિત વિભાગોને મોકલવામાં આવશે અને તેનો જવાબ સરપંચ મારફતે ગામજનો સુધી પહોંચાડવામાં આવશે. અનુસૂચિત વિસ્તારોમાં PESA કાયદા અંગે ખાસ માહિતી આપવામાં આવશે. તમામ ગ્રામસભાઓના ફોટા તથા ટૂંકા વિડિયો ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અને આ સભાનો સંકલિત અહેવાલ તૈયાર કરીને ૮ ઓક્ટોબર સુધી જિલ્લા કચેરીએ મોકલવાનો રહેશે.
આ તમામ કાર્યક્રમનું વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. ગ્રામસભાઓની વિગત અને સમયપત્રક જી.એસ.-નિર્ણય મોબાઈલ એપ્લીકેશનમાં નોંધાવવાનું રહેશે. આ એપ્લીકેશનમાં ગ્રામસભાના ફોટા અને વિડિયો પણ ફરજીયાત અપલોડ કરવાના રહેશે. ઉપરાંત, કેન્દ્ર સરકારના નવા પ્રયાસ તરીકે ‘સભાસાર’ પોર્ટલ પર કાર્યવાહી અપલોડ કરવામાં આવશે જેથી આપમેળે ગ્રામસભાની કાર્યવાહીની નોંધ તૈયાર થશે.
આવો વ્યાપક કાર્યક્રમ કાગળ પૂરતો નહીં રહે પરંતુ ગામના લોકોના જીવનમાં સાચો બદલાવ લાવે, એ માટે ગ્રામજનોની સક્રિય ભાગીદારી જરૂરી છે. ખાસ કરીને મહિલાઓ અને કિશોરીઓ પોતાના પ્રશ્નો રજૂ કરે અને તેનો ઉકેલ લાવવા આગળ આવે તો આ ખાસ ગ્રામસભા ગામના વિકાસ માટે દિશાનિર્ધારક બની શકે છે.
દરેક ગામજનને અપીલ કરવામાં આવે કે બીજી ઓક્ટોબરે યોજાનારી આ ખાસ ગ્રામસભામાં ફરજીયાત ઉપસ્થિત રહી પોતાનો અવાજ ઉઠાવે અને ગામના વિકાસમાં સક્રિય ભાગીદાર બને એવી સૂચના તમામ જિલ્લાના કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com