સ્પીપા દ્વારા સાબિત: ‘ગુજરાત કેન ડુ, ગુજરાતી કેન ડુ’ — 61 સનદી અધિકારીઓનો ભવ્ય સન્માન સમારોહ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: એસોસીએસન ઓફ SPIPA સ્ટુડન્ટ્સ એલ્યુમ્ની (ASSA) દ્વારા વર્ષ 2023 અને 2024ના ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં સફળ થયેલા 61 તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ તથા વાર્ષિક મિલન કાર્યક્રમનું આયોજન અમદાવાદના GSC બેંક ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું.
આ ગૌરવપ્રદ પ્રસંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તકનિકી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી જણાવ્યું કે SPIPAની ઉજ્જવળ યાત્રા આજે એક અભૂતપૂર્વ પડાવે પહોંચી છે. તેમણે જણાવ્યું કે એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરીને SPIPA એ ગુજરાતના યુવાનોને સિવિલ સર્વિસિસ તરફ દોરી તેમના સપનાનું સાકાર મંચ પૂરું પાડ્યું છે.
તેમણે જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાંથી રેકોર્ડ બ્રેકિંગ 26 ઉમેદવારોએ UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી છે. “આ પાયાની સફળતાએ સાબિત કર્યું છે કે ‘ગુજરાત કેન ડુ, ગુજરાતી કેન ડુ’,” એમ તેઓએ ઉમેર્યું. 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય માત્ર રાજનેતાઓનું નહિ પરંતુ અધિકારીઓનું પણ છે. તેમણે જણાવ્યું કે “પ્રશાસનના મજબૂત આધારસ્તંભ એવા અધિકારીઓ સરકારની નીતિઓને ધરાતલ પર અમલમાં મૂકે છે અને છેવાડાના માનવી સુધી પહોંચવું એ અધિકારીનો પરમ ધર્મ છે.”
કાર્યક્રમમાં GPSCના ચેરમેન હસમુખ પટેલે ઉપસ્થિત રહી કહ્યું કે, “સિવિલ સર્વિસની તૈયારી દરમિયાન યથાવત પ્રેરણાની જરૂર પડે છે અને SPIPA ગુજરાતના યુવાનો માટે માર્ગદર્શક અને પ્રેરક બની છે.” તેમણે SPIPAના ડિરેક્ટર જનરલ હરિત શુક્લા અને અધિકારી સતીશ પટેલના યોગદાનને બિરદાવ્યું.
ACBના ડિરેક્ટર પિયુષ પટેલે પણ જણાવ્યું કે SPIPA એ ગુજરાતીઓમાં સિવિલ સર્વિસને કારકિર્દી તરીકે અપનાવવાની નવી દિશા આપી છે. તેમણે ખાસ કરીને સતીશ પટેલના પ્રયાસોને વખાણી હતાં જેનાથી SPIPAનું નવું કલેવર ઊભું થયું છે.
આ પ્રસંગે સન્માનિત થયેલા ઉમેદવારોએ પોતાનાં સંઘર્ષ અને સફળતાની કથાઓ શેર કરી, જેનાથી ઉપસ્થિત યુવાનોને પ્રેરણા મળી.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ASSAના પ્રમુખ દિલીપ રાણા (IAS) અને ઉપપ્રમુખ અલ્પેશ પરમાર (IRS)ના નેતૃત્વમાં થયું હતું. મોટી સંખ્યામાં સિનિયર અધિકારીઓ, મહાનુભાવો અને ઉમેદવારોના પરિવારજનોની ઉપસ્થિતિએ સમગ્ર માહોલને ઉમંગપૂર્ણ અને ઉત્સાહભર્યો બનાવ્યો.