પંચમહાલમાં ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનનો પ્રારંભ
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ થનાર “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પંચમહાલ જિલ્લામાં પણ શાનદાર રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ચાલશે. આ પ્રસંગે ઘોઘંબાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય આરોગ્ય કેમ્પ અને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે શોભાવ્યું હતું. આ કાર્યક્રમને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીર (ભરવાડ)નું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, લોકસભા સાંસદ સર્વ શ્રી રાજપાલસિંહ જાદવ અને શ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય સર્વ શ્રી જયદ્રથસિંહ પરમાર, શ્રી સી.કે. રાઉલજી, શ્રીમતી નિમિષાબેન સુથાર અને શ્રી ફતેસિંહ ચૌહાણ, તેમજ જિલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ અભિયાન અંતર્ગત મહિલાઓના સ્વાસ્થ્યને લગતી વિવિધ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તેમને યોગ્ય આરોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના સ્વાસ્થ્યને સુધારીને એક સશક્ત અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો છે.