GUJARATKUTCHNAKHATRANA

નખત્રાણા તાલુકાના એસ.ટી. રૂટોમાં કાપથી વિદ્યાર્થીઓ, વેપારીઓ અને જનતાને ભારે મુશ્કેલી.

કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા,-૦૯ ઓક્ટોબર : નખત્રાણા તાલુકાના ગ્રામ્ય તેમજ પાવરપટ્ટીના કેન્દ્રરૂપ નિરોણા વિસ્તારના વિદ્યાર્થીઓ, વેપારીઓ અને મુસાફરોને હાલના સમયમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે નખત્રાણા એસ.ટી. ડેપોમાંથી ચાલતા અનેક બસ રૂટો બંધ કે રદ્દ કરવામાં આવ્યા છે.કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના ઉપપ્રમુખ એન.ટી. આહિરે વિભાગીય કચેરી નિયામકશ્રી, વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. વિભાગ), ભુજને રજૂઆત કરી જણાવ્યું કે — નખત્રાણા તાલુકાના ૧૦૦ થી વધુ ગામોનું મુખ્ય કેન્દ્ર નખત્રાણા છે. અહીંથી રોજ અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ માટે, વેપારીઓ વ્યવસાય માટે તથા સામાન્ય જનતા આરોગ્યસેવા માટે ભુજ તથા અન્ય વિસ્તારોમાં જતા હોય છે. પરંતુ એસ.ટી. બસના રૂટોમાં ૫૦ ટકા કાપ થતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે.રજુઆતમાં જણાવાયું છે કે નખત્રાણા એસ.ટી. ડેપોમાં કુલ ૮૫ ડ્રાઈવર જગ્યાઓમાંથી માત્ર ૪૪ જ કાર્યરત છે, જેમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોનો સમાવેશ થાય છે. કેટલાક ડ્રાઈવરો બીમાર છે, તેમજ મહિલા ડ્રાઈવરો રાત્રિ રોકાણવાળા રૂટોમાં ન મુકાતા બસોનું સંચાલન અસરગ્રસ્ત બન્યું છે. ડ્રાઈવરોને છેલ્લા ત્રણ વર્ષથી રજાઓ પણ મળી નથી, જેના કારણે માનસિક અને શારીરિક થાક વધ્યો છે.સ્થાનિક સ્તરે અનુભવી ડ્રાઈવરોની ભરતી કરવામાં આવે તો અકસ્માતની સંખ્યા ઘટે, ભાષાકીય સુવિધા મળે અને રોજગારી પણ સર્જાય તેવી માંગ કરવામાં આવી છે.સંગઠને જણાવ્યું છે કે નખત્રાણા એસ.ટી. ડેપોમાં માત્ર એક જ મૂતરડી અને એક જ પાણીનો ટાંકો કાર્યરત છે — જેને વધારીને ઓછામાં ઓછા પાંચ મૂતરડી તથા પૂરતા પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. ધારાસભ્ય શ્રી પ્રધુમનસિંહ જાડેજા, અબડાસા મત વિસ્તારને પણ પત્ર લખી આ બાબતની જાણ કરાઈ છે અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠને નખત્રાણા તાલુકાની જનતાની મુશ્કેલીઓનું નિવારણ તાત્કાલિક કરવા અને એસ.ટી. બસ રૂટો પુનઃ શરૂ કરવા સરકારને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

Back to top button
error: Content is protected !!