DHORAJIGUJARATRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજીના ચાપાતરમાં ૮૫ પરિવારોને જમીનની સુધારા સનદ વિતરણ

તા.૧૩/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

લાભાર્થીઓના જમીનના પ્રશ્નોનું સુખદ નિરાકરણ – ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા

Rajkot, Dhoraji: રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે તથા ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાની વિશેષ ઉપસ્થિતિમાં આજે ધોરાજીના ચાપાતર વિસ્તારના ૮૫ પરિવારોને જમીનના માલિકી હક્કની સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે છેલ્લા ૨૧ વર્ષની જમીનના માલિકી હક્ક બાબતે સંઘર્ષ કરતા આશરે ૪૦૦થી વધુ લોકોની હાલાકીનો અંત આવ્યો છે. જમીનની સુધારેલી સનદ મળતા આ પરિવારોના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો.

આ તકે લોકોને સંબોધતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૩-૦૪માં ભાદર-૨ ડેમનું કામ પૂર્ણ થયા પછી, આ વિસ્તારમાં રહેતા લોકોના પુનઃ વસવાટ માટે જમીન ફાળવવામાં આવી હતી. આ જમીનની સનદમાં ભૂખી ગામ લખાયું હતું. પરંતુ આ વિસ્તાર ધોરાજી નગરપાલિકામાં આવતા, આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નહોતી. તેમજ જમીનની સનદમાં સુધારા થતા નહોતા. આખરે વહીવટી તંત્ર, સિંચાઈ વિભાગ વગેરેની મહેનતને અંતે આ વિસ્તારના વિસ્થાપિતો માટે જમીનની સુધારા સનદ તૈયાર થઈ છે. આ ૮૫ પરિવારોને સુધારા સનદ મળતા તેમના જમીનના હક્કો પ્રસ્થાપિત થાય છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, હવે આ વિસ્તાર નગરપાલિકાનો ભાગ બની ગયો હોવાથી આ વિસ્તારના લોકોને રસ્તા, પાણી, વીજળી સહિતની સુવિધાઓ મળતી થશે. છેવાડાના વિસ્તારના લોકોને સુવિધાઓ મળે તેના માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત સક્રિય છે, અને તેના પરિણામ આપણે જોઈ રહ્યા છીએ.

મંત્રીશ્રીએ એન.એફ.એસ.એ. કાર્ડવિહોણા તથા જમીન વિહોણા ગરીબ લોકોને વિનામૂલ્યે અનાજ તેમજ અન્ય મળવાપાત્ર લાભ મળે તે માટે તમામ પ્રયત્નો કરવા સ્થાનિક તંત્રને સૂચના આપી હતી.

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, “માનવી ત્યાં સુવિધા”એ ગુજરાત સરકારનું સૂત્ર રહ્યું છે. ચાપાતર વિસ્તારના લોકોના જમીનના પ્રશ્ન બાબતે મંત્રીશ્રી કુંવરજીભાઈને રજુઆત કરતા તેમણે આ પ્રશ્ન તાત્કાલિક હાથમાં લીધો હતો અને તેનો સમયસર ઉકેલ લાવ્યા છે.

આ તકે ગામલોકોએ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ સાથે મંત્રી શ્રી કુંવરજીભાઈનું ફૂલહારથી સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. કા ર્યક્રમના અંતે રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ભાવિન ભીમજીયાણીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધોરાજી પ્રાંત અધિકારી શ્રી જે.એન. લિખિયા, રાજકોટ સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર સુશ્રી પ્રેક્ષા ગોસ્વામી, સ્થાનિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!