અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 7 મહીનાંગાળા દરમ્યાન 500 દર્દીઓની પથરીનું પેઇનલેસ ઓપરેશન વિના સફળ નિદાન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ પોતાના આરોગ્યક્ષેત્રના પહેલકાર્યોથી સતત પ્રગતિની દિશામાં આગળ વધી રહી છે. અત્યાર સુધી ‘લિથોટ્રીપ્સી’ જેવી આધુનિક અને પેઇનલેસ પદ્ધતિ દ્વારા છેલ્લા 7 મહીનાં દરમ્યાન કુલ 500 દર્દીઓની કિડની તથા પેશાબની નળીમાં રહેલી પથરીનું ઓપરેશન વિના સફળતાપૂર્વક નિદાન કરવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા ડૉ. શ્રેણિક શાહના જણાવ્યા મુજબ, “આ પદ્ધતિના અમલથી દર્દીને શરીરે કટિંગ કે ટાંકા વગર જ પથરી દૂર થઇ શકે છે. કુલ 500 દર્દીઓમાંથી 84 ટકા દર્દીઓમાં તો પ્રથમ જ પ્રયાસે સંપૂર્ણ રીતે પથરી દૂર થઇ હતી, જ્યારે 16 ટકા દર્દીઓમાં બીજી વખત લિથોટ્રીપ્સીથી યોગ્ય પરિણામ પ્રાપ્ત થયું હતું.”
આ પદ્ધતિથી 3 વર્ષની ઉંમરથી લઈને 80 વર્ષના વડીલ દર્દીઓ સુધીની સારવાર કરવામાં આવી. કુલ 500 દર્દીઓમાંથી 340 પુરુષ અને 160 સ્ત્રી દર્દીઓનો સમાવેશ થયો છે. પથરીનું માપ વિવિધ હતું—145 દર્દીઓમાં 10mm સુધીની, 200 દર્દીઓમાં 10-15mm અને 155 દર્દીઓમાં 15mmથી વધુ સાઇઝની પથરીનું નિદાન થયું.
ડૉ. શાહે વધુમાં જણાવ્યું કે,
-
240 દર્દીઓમાં પથરી કિડનીમાં હતી,
-
135 દર્દીઓમાં મૂત્રવાહિનીના પેલ્વિસ ભાગમાં અને
-
125 દર્દીઓમાં મૂત્રવાહિનીના ઉપરના ભાગમાં પથરી હતી.
આ તમામ દર્દીઓમાં પથરીનું સંપૂર્ણ નિદાન લિથોટ્રીપ્સી દ્વારા શક્ય બન્યું.
આ પદ્ધતિની વિશેષતાઓ વિશે જણાવતાં ડૉ. શાહે કહ્યું કે:
-
દર્દીને કાપા વગર સારવાર મળે છે
-
બહુ ઓછો દુખાવો થાય છે
-
ચેપનું જોખમ ખૂબ ઓછું હોય છે
-
સારવાર પછી દર્દી 1-2 કલાકમાં સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ માહિતી આપતાં કહ્યું કે, “આજના સમયમાં ખાનગી હોસ્પિટલોમાં આ સારવાર માટે આશરે ₹10થી ₹15 હજાર ખર્ચ થતો હોય છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ સેવા એકદમ ઓછા ખર્ચે અને આયુષ્માન કાર્ડ ધારકો માટે નિ:શુલ્ક ઉપલબ્ધ છે.“
તેમણે વધુમાં પથરીથી પીડિત લોકોને વિનંતી કરતાં જણાવ્યું કે, “કૃપા કરીને ઢીલાપણું ન કરો. વહેલી તકે સારવાર લઈ શકાતી હોય તો તકલીફો ટાળી શકાય છે. અમદાવાદ સિવિલ મેડિસિટીની 1200 બેડની યુરોલોજી વિભાગમાં આવી આધુનિક અને પેઇનલેસ સેવા આજે જ મેળવી શકાય છે.“
આ વિકાસ સાથે સિવિલ હોસ્પિટલ ફરી એકવાર સાબિત કરે છે કે આરોગ્ય ક્ષેત્રે તે માત્ર સારવાર કેન્દ્ર નહીં, પરંતુ વિશ્વસનીય અને વ્યાપક હેલ્થકેર માટેનું સમર્પિત સ્થાન છે.