ARAVALLIBAYADGUJARATMODASA

બાયડ – ડેમાઈ પંથકના પશુપાલકોની વેદના: અમૂલ ફેડરેશને દૂધ લેવાનું બંધ કરતાં છેલ્લા 20 દિવસથી આર્થિક નુકસાન, સારા ભાવની માંગ સાથે બેઠક યોજાઈ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

બાયડ – ડેમાઈ પંથકના પશુપાલકોની વેદના : અમૂલ ફેડરેશને દૂધ લેવાનું બંધ કરતાં છેલ્લા 20 દિવસથી આર્થિક નુકસાન, સારા ભાવની માંગ સાથે બેઠક યોજાઈ


અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ પંથકના પશુપાલકો હાલમાં દૂધ વેચાણના પ્રશ્નને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડેમાઈ વિસ્તારની દૈનિક અંદાજે પાંચ હજાર લીટર દૂધ એકત્ર કરતી દૂધ મંડળીઓનું દૂધ અગાઉ નજીકના ખેડા જિલ્લામાં ભરવામાં આવતું હતું, કારણ કે ત્યાં સાબરડેરી કરતાં પ્રતિ લીટર આશરે બે રૂપિયા વધુ ભાવ મળતો હતો.
પરંતુ અમૂલ ફેડરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી આ દૂધ સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 20 દિવસથી યોગ્ય બજાર અને ભાવ ન મળતાં અનેક પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. પશુપાલકોના જણાવ્યા મુજબ દૂધ ઉત્પાદનનો ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે યોગ્ય ભાવ ન મળવાથી તેમની આવક પર સીધી અસર પડી રહી છે.
આ પ્રશ્નને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં પશુપાલકોની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પશુપાલકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી અને તેમના દૂધની ખરીદી સાબરડેરી દ્વારા યોગ્ય તેમજ સ્પર્ધાત્મક ભાવથી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.
બેઠકમાં પશુપાલકોના હિતમાં વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને દૂધ ખરીદીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. પશુપાલકોને આશા છે કે સંબંધિત તંત્ર અને ડેરી સંચાલન દ્વારા તેમના પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે, જેથી તેમને થઈ રહેલું આર્થિક નુકસાન અટકી શકે.

Back to top button
error: Content is protected !!