KAMREJSURAT

આંત્રોલીમાં જમીન માલિક દ્વારા કુદરતી કાંસ પૂરી દેવાતા વિવાદ: વેલંજાના તળાવની માટીમાં ‘મોટી મિલીભગત’ની ચર્ચા

કામરેજ:- તાલુકાના આંત્રોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સર્વે બ્લોક નંબર (નવો) 137 પર જમીન માલિક દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી હાલ ભારે વિવાદનું કેન્દ્ર બની છે. જમીન માલિક દ્વારા જમીન લેવલિંગ કરવાના બહાને કુદરતી વરસાદી પાણીના નિકાલ માટેના નાળા (કાંસ) પૂરી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, આ ગંભીર બેદરકારી અંગે ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા રૂબરૂ સ્થળ વિઝીટ પણ કરવામાં આવી હતી. જોકે, આશ્ચર્યની વાત એ છે કે જવાબદાર પદાધિકારીની મુલાકાત બાદ પણ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કે પાણીના નિકાલ માટેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે આગામી ચોમાસામાં આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

આ વિવાદમાં માત્ર કુદરતી વહેણ પૂરી દેવાનો જ પ્રશ્ન નથી, પરંતુ વપરાતી માટીના સ્ત્રોત સામે પણ સવાલો ઉભા થયા છે. લોકચર્ચા મુજબ:

* આ જમીન પર ઠાલવવામાં આવતી માટી વેલંજા વિસ્તારમાં ચાલી રહેલી તળાવની કામગીરીમાંથી આવી રહી હોવાનું મનાય છે.

* સરકારી પ્રોજેક્ટની માટી ખાનગી સર્વે નંબરોમાં કયા આધારે ઠલવાય છે?

* શું આ માટીના પરિવહન માટે જરૂરી રોયલ્ટી કે પરવાનગી લેવામાં આવી છે?

સ્થાનિકોનો આક્ષેપ છે કે મોટા ગજાના જમીન માલિકો અને તંત્રના અમુક અધિકારીઓ વચ્ચેની ‘મિલીભગત’ને કારણે કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જો તંત્ર દ્વારા સત્વરે આ માટીનું પુરાણ અટકાવીને વરસાદી પાણીના નાળા ખુલ્લા કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે શું વહીવટી તંત્ર આ મિલીભગતની તપાસ કરશે કે પછી જમીન માલિકોની મનમાની સામે આંખ આડા કાન કરવાનું ચાલુ રાખશે?

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ

Back to top button
error: Content is protected !!