‘બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરી, કરકસર કરી ખેડૂતને દેવામુક્ત કરી શકાય છે.’ : ભાજપના ધારાસભ્ય

સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને ખેડૂતોના દેવા માફ કરવાની જોરદાર માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે વારંવાર આવતી કુદરતી આફતો, અતિવૃષ્ટિ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે જગતનો તાત દેવાદાર બની ગયો છે.
રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખીને બદલાયેલા વાતાવરણ અને ઋતુચક્ર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘ગમે ત્યારે વરસાદ અને ચક્રવાતનું પ્રમાણ અને અનિયમિતતા વધી રહી છે. આ કમોસમી વરસાદ અને ચક્રવાતને કારણે ખેડૂતોને વારંવાર નુકશાન થઈ રહ્યું છે, જેના કારણે અન્નદાતા દેવાદાર થતો જાય છે.’
તેમણે સ્વીકાર્યું કે સરકાર સહાય આપવાનો પ્રયાસ જરૂર કરે છે, પરંતુ તેમના મતે, ખેડૂતને થતું નુકશાન ભરપાઈ સહાયથી થઈ શકે તેમ નથી. ખેડૂત દેવામાં ડૂબતો જાય છે. આ ગંભીર પરિસ્થિતિના નિરાકરણ માટે, ધારાસભ્ય કાનાણીએ સૂચન કર્યું કે સરકારે એકવાર ખેડૂતોને દેવામુક્ત કરવા માટે વિચારણા કરવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘બિનજરૂરી પ્રોજેક્ટના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરી, કરકસર કરી ખેડૂતને આપીને દેવામુક્ત કરી શકાય છે.’
તેમણે ઉમેર્યું કે આ પગલાથી ખેડૂત ફરી બેઠો થઈ શકશે અને ચિંતા મુક્ત થઈને નવા જોશ-ઉમંગથી ખેતી તરફ પરત ફરશે. તેમણે ચેતવણી પણ આપી કે જો આમ નહીં કરવામાં આવે તો, ‘ખેડૂત ખેતીથી દૂર ભાગતો થશે અને જો ખેતી ઓછી થશે તો ભવિષ્યમાં ખૂબ મોટી સમસ્યાઓ ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે.’




