
સુરત: હજીરા મેન બ્રાન્ચના કઠોળ સેક્શન હેઠળ આવતી કિમ મેન કેનાલ છેલ્લા એક મહિનાથી બિસ્માર હાલતમાં હોવા છતાં સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. કિમ સબ ડિવિઝનના અધિકારીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે આ અંગે સુરત મહાનગરપાલિકા (SMC) ને જાણ કરવામાં આવી છે. બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, જેના કારણે લોકો માત્ર ધક્કા ખાઈ રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે બંને વિભાગોના અધિકારીઓની ઢીલી કામગીરી અને જવાબદારી ટાળવાના વલણને કારણે છેલ્લા એક મહિનાથી સમસ્યા યથાવત છે. જો સમયસર કાર્યવાહી કરવામાં ન આવે અને કોઈ અકસ્માત સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગો અને જવાબદાર અધિકારીઓની રહેશે.
સ્થાનિકોએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરાવી જવાબદારી નક્કી કરવાની, બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની અને કેનાલની મરામત યુદ્ધના ધોરણે શરૂ કરવાની માંગ ઉઠાવી છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત









