સુરેન્દ્રનગરના સાયલા ખાતે ૫૦ તાલીમબદ્ધ માલધારી યુવાનોને આધુનિક ‘ઉન કતરાઈ મશીન’ વિતરણ કાર્યક્રમ યોજાયો

તા.21/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ હસ્તક નિગમો, સહજીવન સંસ્થા અને માલધારી સંગઠનોના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે ઉન આધારિત રોજગારીને ટકાઉ બનાવવાના ઉમદા હેતુથી ‘ઉન કતરાઈ મશીન’ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દ્વારા કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ૫૦ તાલીમબદ્ધ માલધારી યુવાનોને આધુનિક મશીનો અર્પણ કરી તેઓને સ્વરોજગારીની નવી દિશા બતાવવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય ઘેટાં અને ઉન વિકાસ નિગમ (GUSHEEL) ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. પોષક પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પશુપાલકોની આવક બમણી કરવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા કટિબદ્ધ છે સેન્ટ્રલ વૂલ ડેવલપમેન્ટ બોર્ડ (CWDB) અને ‘ગુશીલ’ દ્વારા તાલીમ પામેલા યુવાનો હવે પરંપરાગત પદ્ધતિના બદલે આધુનિક મશીનથી ઉન કતરાઈ કરી શકશે જેનાથી ઉનની ગુણવત્તામાં સુધારો થશે, પશુઓને ઓછી ઈજા થશે અને માલધારીઓની શારીરિક મહેનતમાં ઘટાડો થવાની સાથે તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે સહજીવન સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી કવિતાબેન મહેતાએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે, માલધારી સંગઠનોને મજબૂત બનાવી ટેકનોલોજી સાથે જોડવાથી યુવા પેઢીમાં પશુપાલન વ્યવસાય પ્રત્યે આત્મવિશ્વાસ વધશે સુરેન્દ્રનગર જિલ્લા ઘેટાં-બકરાં ઉછેરક માલધારી સંગઠન દ્વારા યુવાનોને કુશળ સેવા પ્રદાતા તરીકે તૈયાર કરવાની આ કામગીરી અન્ય જિલ્લાઓ માટે પણ ઉદાહરણરૂપ છે આ કાર્યક્રમ માલધારી સમુદાયના પરંપરાગત જ્ઞાનને આધુનિક ઓપ આપી ‘આત્મનિર્ભર’ બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે સરકાર અને સામાજિક સંસ્થાઓના આ સહિયારા પ્રયાસથી ગુજરાતની ‘વૂલ વેલ્યુ ચેઈન’ વધુ મજબૂત બનશે અને આગામી દિવસોમાં ઉન ઉત્પાદન ક્ષેત્રે રાજ્ય એક નવી ઊંચાઈ હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આ વિતરણ કાર્યક્રમમાં નાયબ નિયામક, ભુજ ડૉ. યોગરાજ સોલંકી, ગુશીલનાં પી.પી. પ્રજાપતિ, જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના નાયબ નિયામક ડૉ. ભાવિક પટેલ, તેમજ જસદણ ફાર્મ, સુરસાગર ડેરી અને તાલુકા પંચાયતના પશુ ચિકિત્સા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં માલધારી અગ્રણીઓ અને ઉત્સાહી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.





