સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લામાં અંદાજિત ૪૦,૦૦૦ ખેડૂતો ૪૨,૦૦૦ એકર વિસ્તારમાં કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી

તા.20/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
જિલ્લામાં અંદાજિત ૪૦,૦૦૦ ખેડૂતો ૪૨,૦૦૦ એકર વિસ્તારમાં કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની કામગીરીની પ્રગતિ અંગે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠક દરમિયાન દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રના પ્રયોગો થકી સફળતાપૂર્વક આગળ વધી રહેલી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિવિધ પાસાઓ અને જિલ્લામાં તેના અમલીકરણ અંગે ઝીણવટભરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થયેલી પ્રશંસનીય કામગીરીની વિગતો આપતાં ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખેડૂતોનો ઝુકાવ સતત વધી રહ્યો છે હાલમાં જિલ્લાના અંદાજિત ૪૦,૦૦૦ જેટલા ખેડૂતો લગભગ ૪૨,૦૦૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે જે જિલ્લા માટે એક મોટી ઉપલબ્ધિ છે બેઠક દરમિયાન કલેક્ટરએ જિલ્લામાં ત્રણ ગ્રામ પંચાયતના ક્લસ્ટર આધારિત થઈ રહેલી કામગીરીની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે હાલનો સમય ખેડૂતો માટે નવા પાકના આયોજનનો છે તેથી આ તકનો લાભ લઈ ગામે-ગામ અનુભવી ‘કૃષિ સખી’ અને ‘સીઆરપી’ (કમ્યુનિટી રિસોર્સ પર્સન) દ્વારા ખેડૂતોને અસરકારક તાલીમ પૂરી પાડવામાં આવે આ સાથે જ ખેડૂતોને ખેતી માટે જરૂરી બાયો-ઇનપુટ્સ સરળતાથી ઉપલબ્ધ થાય અને તેઓ પ્રાકૃતિક કૃષિના સફળ મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત લઈને જાત- માહિતી મેળવે તેવું સુદ્રઢ આયોજન કરવા તાકીદ કરી હતી કલેક્ટરએ વધુમાં ઉમેર્યું હતું કે ખેતીવાડી વિભાગનો વિસ્તરણ સ્ટાફ જે હાલમાં રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ કરવા બાબતે તાલીમ આપી રહ્યો છે તે સ્ટાફ પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સાચી જાણકારી આપે અને તેના સફળ પ્રયોગો પ્રદર્શિત કરે જિલ્લામાં વધુમાં વધુ વિસ્તારમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તેમના ઉત્પાદનોની યોગ્ય માર્કેટિંગ વ્યવસ્થાને પણ પ્રાધાન્ય આપવું જરૂરી છે તેમણે રાસાયણિક ખાતરોનો બગાડ અટકાવવા અને પ્રાકૃતિક ખેતી અંગે વધુમાં વધુ ખેડૂતોમાં પ્રચાર-પ્રસાર થાય તેવું સૂચવ્યું હતું આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કે. આર. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, જિલ્લા રજિસ્ટ્રાર કોમલ ચૌધરી સહિત ‘આત્મા’ પ્રોજેક્ટ, પ્રાકૃતિક બોર્ડ, ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને સહકાર જેવા કૃષિ સંલગ્ન વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



