પાંચાળની પવિત્ર ધરા પર ‘ચોટીલા ઉત્સવ ૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ: ભક્તિ અને લોક સંસ્કૃતિનો અનોખો સંગમ
પ્રથમ દિવસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ અર્પતો 'રંગ મેઘાણી' કાર્યક્રમ યોજાયો; કલાકારોની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા

તા.12/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
પ્રથમ દિવસે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ અર્પતો ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ યોજાયો; કલાકારોની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ ૨૦૨૬’નો પાંચાળની ઐતિહાસિક અને પવિત્ર ધરા પર ભવ્ય પ્રારંભ થયો છે જગપ્રસિદ્ધ શક્તિપીઠ મા ચામુંડાના સાનિધ્યમાં આયોજિત આ ઉત્સવના પ્રથમ દિવસે લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની સરવાણી વહી હતી જેમાં મોટી સંખ્યામાં ભકતો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી આ પ્રસંગે ઉપસ્થિત કલેક્ટર કે.એસ.યાજ્ઞિકે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે ચોટીલા એ માત્ર શક્તિધામ તરીકે જ નહીં પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં વિખ્યાત છે જ્યાં તાજેતરમાં જ તેમની યાદમાં સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી ૧૧ જેટલા મહત્વના યાત્રાધામોમાં બે દિવસીય સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે સરકારનો મુખ્ય હેતુ સ્થાનિક લોકકલાઓ અને કલાકારોને એક યોગ્ય મંચ પૂરો પાડી આપણી વિરાસતને જીવંત રાખવાનો છે ઝવેરચંદ મેઘાણીએ આ માટીની સુગંધને વિશ્વભરમાં ફેલાવી છે ત્યારે તેમની જ પુણ્યતિથિ નિમિત્તે તેમની જ જન્મભૂમિ પર ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ દ્વારા આ સ્વરાંજલિ અર્પવી એ સમગ્ર જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી તેમણે જણાવ્યું હતું કે, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હંમેશા કલાના સંવર્ધન માટે પ્રયત્નશીલ છે તેમણે ‘રંગ મેઘાણી’ ફોક ફ્યુઝન મ્યુઝિક શો જેવી નવીન પ્રસ્તુતિઓની વિશેષતા સમજાવતા કહ્યું કે મેઘાણીજીના જીવન – કવન અને સાહિત્યને આધુનિક શૈલી થકી નવી પેઢીને પણ સરળતાથી આપણા ભવ્ય વારસા, દુહા – છંદ અને લોકસાહિત્યના ગૌરવશાળી ઇતિહાસ સાથે જોડવાનું ભગીરથ કાર્ય શક્ય બને છે આ સાથે તેમણે બીજા દિવસે યોજાનારા સિદ્દી ધમાલ અને ખ્યાતનામ કલાકારો મયુરભાઈ દવે તથા નારાયણભાઈ ઠાકરના કાર્યક્રમોમાં જોડાવા જાહેર જનતાને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું હતું ઉત્સવના પ્રથમ દિવસે કલાકારોએ મા ચામુંડા અને મા મોગલની સ્તુતિ સાથે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું મુખ્ય આકર્ષણ તરીકે અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો’ રજૂ કરાયો હતો જેમાં આધુનિક શૈલીમાં રજૂ થયેલી મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉપરાંત રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પ્રખ્યાત હુડો રાસ તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની પ્રસ્તુતિએ સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા હતા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો મંગલ પ્રારંભ થયા બાદ, ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે સહભાગી તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં સર્વે ચોટીલા મંદિર મહંત લાલબાપુ, અવિનાશબાપુ, નિરંજન બાપુ, અગ્રણી સુરેશભાઈ ધરજીયા, પ્રદીપભાઈ ખાચર, ચોટીલા અને થાનગઢના મામલતદારઓ, પ્રાંત યુવા વિકાસ અધિકારી મમતા પંડિત અને પ્રકાશસિંહ ગોહિલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને વિશાળ સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.





