સાબરડેરી ખાતે સાબરડેરીની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરડેરી ખાતે સાબરડેરીની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલક પરિવારો માટે આર્થિક અને સામાજીક સમૃધ્ધિની સર્જક સાબરડેરીની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ તારીખ: ૦૭-૧૦-૨૦૨૪ ના રોજ ગુજરાત કો-ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન તથા સાબરડેરીના ચેરમેનશ્રી શામળભાઈ બી.પટેલના અધ્યક્ષ્ય સ્થાને યોજાઈ હતી જેમાં સાબરડેરીના વાઈસ ચેરમેન શ્રી ઋતુરાજભાઈ પટેલ,પૂર્વ સાંસદશ્રી દિપસિંહજી રાઠોડ, નિયામક મંડળના તમામ સદસ્યો,સાબરડેરીના ભૂતપૂર્વ નિયામક મંડળના સભ્યશ્રીઓ, સહકારી આગેવાનો તેમજ સાબરડેરીની સભાસદ દૂધ મંડળીઓના પ્રતિનિધિશ્રીઓની હાજરીમાં યોજાઈ ગઈ.
દૂધ સંઘના મેનેજીંગ ડીરેકટરશ્રી સુભાષભાઈ પટેલે ઉપસ્થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિશ્રીઓનું શાબ્દીક સ્વાગત કરી દૂધ સંઘે વર્ષ દરમ્યાન કરેલ પ્રગતિ અને સિધ્ધિઓની છણાવટ કરી વિગતવાર માહીતી રજુ કરી હતી સાથે સાથે ચાલુ વર્ષમાં ૩૦/૦૯/૨૦૨૪ સુધીમાં થયેલ સાબરડેરીના ટર્નઓવર અને દુધ સંપાદન બાબતે સભાને અવગત કરાવી ત્રીજી ટર્મ માટે ચેરમેન તરીકે વરણી પામેલ શ્રી શામળભાઈ બી. પટેલને અને વાઈસ ચેરમેન પદે આરૂઢ થયેલ શ્રી ઋતુરાજભાઈ પટેલ બન્નેને અભિનંદન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેઓ દ્વારા વાર્ષિક સાધારણ સભાની કામગીરીનું સંચાલન કરવામાં આવ્યું હતુ.
સાધારણ સભાના અધ્યક્ષ્ય સ્થાનેથી શામળભાઈ પટેલે તેઓની ચેરમેન તરીકે ફરીથી તક આપી જવાબદારી સોપવા બદલ વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમીતભાઈ શાહ સાહેબ, મુખ્ય મંત્રીશ્રી ભુપેનદ્રભાઈ પટેલ,કેન્દ્રિય જળશક્તિ મંત્રીશ્રી અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ્યશ્રી સી.આર.પાટીલ અને સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માનો આભાર માની દુધ ઉત્પાદકોની આર્થિક ઉન્નતિ માટે કટીબધ્ધતા દર્શાવી વડા પ્રધાનશ્રીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પની સિધ્ધિ અને અમીતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃધ્ધિના મંત્રને સાર્થક કરવા હેતુ સંઘ પ્રતિબધ્ધ છે અને વાર્ષિક ભાવફેર અંગે છણાવટ કરતાં તેઓએ સભાને જણાવેલ કે અહેવાલના વર્ષ ૨૦૨૩-૨૪ માં સરેરાશ પ્રતિ કિલોફેટ દૂધના ભાવ રૂા.૯૯૦ પ્રમાણે ચુકવી આપ્યા છે જે અગાઉના વર્ષે સંઘ દવારા ચુકવેલ સરેરાશ પ્રતિ કિલોફેટ દૂધના ભાવ રૂા. ૯૩૩ ની સામે પ્રતિ કિલો ફેટે રૂા.૫૭/- વધુ ભાવો ચુકવેલ છે. અધ્યક્ષ્ય સ્થાનેથી દુધના વ્યવસાયનું ભવિષ્ય ઉજળું હોવાનું જણાવી સમગ્ર વર્ષ દરમ્યાન દૂધ સંઘના કામકાજમાં દૂધ મંડળીના પ્રતિનિધિઓએ આપેલ સાથ અને સહકાર બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.
વધુમાં તેઓએ જણાવેલ કે,સાબરડેરી દવારા અહેવાલના નાણાંકીય વર્ષ દરમ્યાન દૂધ ઉત્પાદકોના આર્થિક વિકાસને લક્ષ્યમાં રાખી સતત આખુ વર્ષ રૂપીયા ૮૫૦ નો દુધનો પોષણક્ષમ ભાવ દુધ ઉત્પાદકોને ચુકવ્યો છે તેમ છતાં વર્ષ આખરે સરેરાશ રીટેન્શન મની એટલે કે પાછળથી વધારાની રકમ પેટે ઐતિહાસીક રૂપિયા ૬૦૨ કરોડની માતબર રકમ સાબરડેરી દવારા સભાસદોને ચુકવી આપ્યા છે જેને ઉપસ્થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિઓએ વધાવી લીધી હતી.ભવિષ્યમાં પણ દૂધના પોષણક્ષમ ઉંચા ભાવ આપવા તેમણે કટીબધ્ધતા દર્શાવી હતી.
સભામાં વર્ષ ૨૦૨૩-૨૪ માં સૌથી વધુ દુધ સંપાદન કરનાર શ્રેષ્ઠ૧૦ દુધ મંડળીઓનું મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું જેમાં પ્રથમ ત્રણ ક્રમે ગાબટ, નાદરી અને રણેચી દુધ મંડળીઓ હતી તે જ રીતે વર્ષ ૨૦૨૩-૨૪ માં સૌથી વધુ દુધ ભરાવનાર શ્રેષ્ઠ ૧૦ દુધ ઉત્પાદકો જેમાં બાયડ તાલુકાના ૯ અને ઈડર તાલુકાના ૧ પ્રગતિશીલ દુધ ઉત્પાદકોનું સન્માન કરવામાં આવ્યુ હતું. સાધારણ સભા પ્રસંગે સાબરડેરીના પૂર્વ વાઈસ ચેરમેનશ્રી જયંતિભાઈ પટેલે વાર્ષિક સાધારણ સભાના સમાપન પ્રસંગે આભાર વિધિ કરેલ હતી.





