હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લેવાયા

સમીર પટેલ, ભરૂચ
નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે પ્રાથમિક શાળા સાહોલ ખાતે પ્રતિજ્ઞા ગ્રહણ અને જાગરૂકતા કાર્યક્રમ યોજાયો. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીની આગેવાની તથા સમગ્ર શાળા સ્ટાફ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત નશા મુક્તિ વિષયક પ્રેરણાદાયી સંદેશો સાથે કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને નશાના દુષપ્રભાવ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા નશામુક્ત જીવન જીવવાની પ્રતિજ્ઞા લેવાઈ.
આ અવસરે GRD પોલીસ વિભાગના જવાનો — કેતન પટેલ, ગોમાનભાઈ રાઠોડ, રમણભાઈ પટેલ, હાર્દિક પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. તેમણે બાળકોને કાયદાકીય જાગરૂકતા, નશાખોરીના સામાજિક નુકસાન અને જવાબદાર નાગરિક બનવા માટે પ્રોત્સાહિત કર્યાં. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશપ્રેમ અને નશા મુકિત સંદેશ આપતા સૂત્રોચ્ચાર અને ગીતો રજૂ કર્યા. શાળામાં સમગ્ર વાતાવરણ જાગૃતિ અને ઉત્સાહથી ભરાયું. આ અભિયાન દ્વારા ભવિષ્યની પેઢીને સ્વસ્થ, સશક્ત અને જવાબદાર નાગરિક બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.



