
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની ઉંબરે તંત્ર સુસુપ્ત અવસ્થામાંથી એક્શન મોડમાં આવ્યુ,26મી જુલાઈથી મોન્સૂન ફેસ્ટિવલને લઈને વહીવટી તંત્રએ માર્ગો પર સ્ટ્રીટલાઈટનું સમારકામ હાથ ધર્યુ..
ગુજરાતનાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં આગામી મોન્સૂન ફેસ્ટિવલ પૂર્વે વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી અને તેના પરિણામે પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને પડતી હાલાકી અંગે સમાચારપત્રમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.ત્યારે અહેવાલને પગલે આખરે સકારાત્મક અસર થઈ છે.અહેવાલમાં દર્શાવવામાં આવેલી સમસ્યાઓ પૈકી એક મુખ્ય સમસ્યા, એટલે કે મુખ્ય માર્ગો પર બંધ પડેલી સ્ટ્રીટલાઈટો, પર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.તાજેતરમાં જ અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.જેમાં સૂર્યાસ્ત પછી સાપુતારાના રસ્તાઓ પર ગાઢ અંધારપટ છવાઈ જતો હતો, જેના કારણે રાત્રિના સમયે અવરજવર મુશ્કેલ અને જોખમી બની રહી હતી.પ્રવાસીઓનાં મુખ્ય આકર્ષણ સમા સનરાઈઝ રોડ અને સનસેટ રોડ જેવા માર્ગો પર પણ લાઇટિંગનો અભાવ હતો, જે પ્રવાસીઓની સુરક્ષા માટે ચિંતાજનક હતો.આ અહેવાલના પગલે, સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને સાપુતારાના મુખ્ય માર્ગો પર બંધ પડેલી સ્ટ્રીટલાઈટોનાં સમારકામનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યુ છે.આ પગલાથી રાત્રીના સમયે પ્રવાસીઓ અને સ્થાનિકોની અવરજવર વધુ સુરક્ષિત બનશે અને સાપુતારાની શોભામાં પણ વધારો થશે જોકે,અહેવાલમાં દર્શાવવામાં આવેલી અન્ય સમસ્યાઓ જેવી કે ઠેર ઠેર ઉભરાતી ગટરો, ગંદા પાણીના ખાબોચિયા અને તેમાંથી ફેલાતી દુર્ગંધ, તેમજ મુખ્ય માર્ગો પરના મોટા ખાડાઓ અંગે તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે તો જોવુ જ રહ્યુ.મોન્સૂન ફેસ્ટિવલની ભવ્ય ઉજવણી પૂર્વે આ તમામ પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવી અત્યંત આવશ્યક છે, જેથી પ્રવાસીઓને સાપુતારાનો શ્રેષ્ઠ અનુભવ મળી શકે અને ગુજરાત પ્રવાસન નિગમના પ્રયાસો સાર્થક થઈ શકે,તેવામાં અગામી દિવસોમાં તંત્ર કેવા પગલા ભરશે તે તો આવનાર સમય જ બતાવશે..




