GUJARATKUTCHMANDAVI

ગુજરાતમાં શિક્ષક ભરતી: ઉતાવળ, અયોગ્ય નીતિઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્યનો ગંભીર પ્રશ્ન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી,તા.૨ જૂન  : ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અંદાજે ૨૪,૭૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા રાજ્યના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધી રીતે સંકળાયેલી હોવા છતાં, વર્તમાન ભરતી નીતિ અને પ્રક્રિયામાં જોવા મળતી અનેક વિસંગતતાઓ તથા પારદર્શિતાના અભાવે ઉમેદવારો અને શિક્ષણવિદોમાં ગંભીર ચિંતા અને નારાજગી પ્રવર્તી રહી છે.

૧. ક્રમિક ભરતી પ્રક્રિયાથી ખાલી થતી જગ્યાઓનો દુષ્ચક્ર: હાલની ભરતી પ્રક્રિયા નિમ્ન પ્રાથમિકથી શરૂ કરીને ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ત્યારબાદ ઉચ્ચ માધ્યમિક એમ ક્રમશઃ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રકારે ક્રમિક ભરતી કરવાથી ઘણા હોશિયાર ઉમેદવારો કે જેઓ તમામ ચાર કેટેગરીની પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે, તેઓ સૌપ્રથમ નિમ્ન પ્રાથમિકમાં નિમણૂક મેળવી લેશે. જો તેમને પછીના તબક્કામાં ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિકમાં પસંદગી મળશે, તો તેઓ નિમ્ન પ્રાથમિકની નોકરી છોડી દેશે. પરિણામે, નીચલા સ્તરોની જગ્યાઓ ફરી ખાલી પડશે, જેના કારણે શૈક્ષણિક કાર્યમાં અવરોધ અને લાંબા ગાળે શિક્ષણની ગુણવત્તા પર નકારાત્મક અસર પડશે. આ દુષ્ચક્ર અટકાવવા માટે તમામ સ્તરની ભરતી પ્રક્રિયા સમાંતર અથવા સુયોજિત રીતે એકસાથે હાથ ધરવી જોઈએ.

૨. કચ્છ પ્રત્યે અન્યાયપૂર્ણ નીતિ: “ઘઉં ચારીને વધેલા કાંકરા” જેવી સ્થિતિ: પ્રાથમિક વિભાગમાં અંદાજે ૧૨,૦૦૦ જગ્યાઓની સામાન્ય ભરતી થઈ રહી છે, જેમાંથી કચ્છ જિલ્લા માટે ૪,૧૦૦ શિક્ષકોની વિશેષ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જોકે, પ્રથમ ગુજરાતની ૧૨,૦૦૦ જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં કચ્છની એક પણ જગ્યા દર્શાવવામાં આવી નથી. આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે ગુજરાતના શ્રેષ્ઠ ૧૨,૦૦૦ ઉમેદવારો અન્ય જિલ્લાઓમાં નિયુક્ત થઈ જશે અને ત્યારબાદ બચેલા ઉમેદવારોમાંથી કચ્છની ૪,૧૦૦ જગ્યાઓ ભરવામાં આવશે. (એટલે કે સારા ઘઉં ગુજરાતના અને બાકી વધે ઈ કાંકરા કચ્છના) એટલે કે આ નીતિ કચ્છના નબળા અને પછાત વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા સમાન છે, જ્યાં પહેલાથી જ શિક્ષકોની ભારે અછત છે. આનાથી કચ્છના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત રહેવું પડશે અને તેમની શૈક્ષણિક પ્રગતિ રૂંધાશે. (ખરેખર અકરમીના દડિયામાં પણ કાણો હોય છે ઈ વાત સાચી છે.)

૩. જિલ્લાવાર ભરતી અને બદલી નીતિમાં સુધારો અનિવાર્ય: ઉમેદવારોની પ્રબળ માંગણી છે કે, સૌપ્રથમ પહેલાંની જેમ (ખાલી પડેલ જગ્યાઓમાંથી ઓછામાં ઓછી ૫૦% જગ્યાઓ) જિલ્લાવાર ભરતી પ્રક્રિયાથી હાથ ધરવામાં આવે. ઉમેદવારોને ફરજિયાતપણે પોતાનો ગૃહ જિલ્લો પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે અને ત્યારબાદ રાજ્યકક્ષાનો એક જનરલ ભરતી કેમ્પ રાખવામાં આવે. આનાથી સંબંધિત જિલ્લાના ઉમેદવારોને તેમના વતન નજીક સેવા આપવાનો મોકો મળશે અને ભવિષ્યમાં બદલીઓના પ્રશ્નો ઊભા થશે નહીં. હાલમાં કચ્છ જિલ્લામાં ૫૦% થી પણ વધુ જગ્યાઓ ખાલી હોવા છતાં, અન્ય જિલ્લાના શિક્ષકો ‘સામ, દામ, દંડ, ભેદ’નો ઉપયોગ કરીને પોતાના વતનમાં બદલી કરાવી ચૂક્યા છે, અને હવે આ જ ખાલી જગ્યાઓ ભરવાની ઉતાવળ કરી રહ્યા છે. આ પરિસ્થિતિ અટકાવવા માટે, બદલી પામેલા શિક્ષકોને તાત્કાલિક કચ્છમાં પરત મોકલવા જોઈએ, જેથી ખાલી જગ્યાઓની વાસ્તવિકતા અને તેમની જવાબદારી સ્પષ્ટ થાય.

૪. ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ: વર્તમાન ભરતી પ્રક્રિયામાં ઉતાવળ અને પારદર્શિતાના અભાવને કારણે અનેક કોર્ટ કેસ થવાની સંભાવના છે, જે ભરતીને ૬-૧૨ મહિના સુધી અટકાવી શકે છે. આનાથી આખરે પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓને જ નુકસાન થશે. પંચાયત ચૂંટણીઓ ચાલી રહી હોવા છતાં, ચૂંટણી પંચ સમક્ષ શિક્ષણમંત્રીને ઊંધુ ચતુ સમજાવીને આગળ ધરી ખાસ મંજૂરી મેળવીને ભરતી કરનાર જવાબદાર અધિકારીને ભરતી સમિતિમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી ઉમેદવારોની સખત માંગ છે, કારણ કે તેમની ઉતાવળી નીતિઓ જ આ ગૂંચવણ માટે જવાબદાર છે.

૫. ટેકનિકલ કારણોસર બાકાત રાખવામાં આવેલા યોગ્ય ઉમેદવારોનો અધિકાર: જૂની ભરતી પ્રક્રિયામાં ડિગ્રી મેળવ્યા પહેલા ટેટ/ટાટ પરીક્ષા પાસ કરી હોય તેવા હજારો ઉમેદવારોને ટેકનિકલ કારણોસર અરજી કરવાથી બાકાત રાખવામાં આવ્યા છે. આ ઉમેદવારો પાસે જરૂરી ડિગ્રી અને ટેટ/ટાટ પરીક્ષા પાસ હોવા છતાં, અમુક “અળવિતરા અધિકારીઓ”ની ખોટી મનની પેદાશને કારણે તેમને ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ટેટ/ટાટ પરીક્ષાઓ સરકાર દ્વારા કેમેરા અને સઘન સુપરવિઝન હેઠળ લેવામાં આવે છે, અને જો કોઈ ઉમેદવારે છેતરપિંડી કરી હોય તો તેનું સર્ટિફિકેટ રદ કરવું જોઈએ, પરંતુ માન્ય સર્ટિફિકેટ હોવા છતાં તેમને બાકાત રાખવા ગેરબંધારણીય અને અયોગ્ય છે. આ ઉમેદવારોને અરજી કરવા માટે પોર્ટલ ફરીથી ખોલવામાં આવે તેવી પણ માંગ છે, અન્યથા તેઓ પણ કોર્ટમાં જઈ શકે છે.

૬. મેરિટ પદ્ધતિની સત્તાવાર જાહેરાતનો અભાવ: ભરતી પ્રક્રિયા માટે મેરિટ કેવી રીતે બનશે તે આજ સુધી સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. ઉમેદવારોનો આક્ષેપ છે કે દર વખતે મેરિટ પદ્ધતિ અળવિતરા અધિકારીઓ દ્વારા પોતાના સ્વાર્થ ખાતર બદલી નાખવામાં આવે છે. વર્તમાન ભરતી પ્રક્રિયામાં મેરિટ કેવી રીતે બનાવવામાં આવશે તેની સત્તાવાર અને પારદર્શક જાહેરાત તાત્કાલિક કરવામાં આવે તે અનિવાર્ય છે. વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ મેળવેલ ડિગ્રીઓની અવગણના કરીને માત્ર ત્રણ કલાકમાં લેવાયેલી ટેટ/ટાટની પરીક્ષાના પરિણામને વધુ ગુણભાર આપવામાં આવે એ પણ યોગ્ય નથી એવી રજૂઆતો પણ ઉમેદવ દ્વારા કરવામાં આવી રહેલ છે છતાં બહેરા તંત્રના કાને આ વાત પહોંચતી નથી કે સાંભળવી નથી એ જ સમજાતું નથી.

૭. તાત્કાલિક પગલાં લેવા અપીલ: અંતમાં, આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગને વિનંતી છે કે, તાત્કાલિક ધોરણે આ મુદ્દાઓની ગંભીરતાપૂર્વક નોંધ લે અને ઉમેદવારોના હિત, શિક્ષણની ગુણવત્તા અને રાજ્યના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય અને પારદર્શક પગલાં ભરે. બદલી પામેલા શિક્ષકોને કચ્છમાં પરત મોકલીને સૌપ્રથમ ખાલી જગ્યાઓ ભરાય તેની ખાતરી આપવામાં આવે, અને ત્યારબાદ જ નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી લોક માંગ છે.

Back to top button
error: Content is protected !!