નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ સીડ યોજના અંતર્ગત ૧૦૦થી વધુ ખેડૂતોને નિષ્ણાતો દ્વારા ટેકનિકલ માર્ગદર્શન.

તારીખ ૦૩/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના ખેડૂતો ખેતીમાં આધુનિક અભિગમ અપનાવે અને તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ થાય તેવા ઉમદા હેતુથી ખેડૂત તાલીમ કેન્દ્ર, ધોળાકુવા ખાતે એક ભવ્ય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતીવાડી શાખા (ગોધરા તાલુકા) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ સીડ (NMEO) યોજના અંતર્ગત એરંડી ક્લસ્ટરના ૧૦૦ થી વધુ ખેડૂતોએ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી. પટેલ અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભાવિન મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી યોજનાની રૂપરેખા આપી હતી. કાલોલ તાલુકાના વેજલપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પાક સંરક્ષણ નિષ્ણાત ડૉ. શક્તિ ખજૂરિયા અને જમીન વિજ્ઞાન નિષ્ણાત ડૉ. અભિષેકે ખેડૂતોને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવા અને સોઈલ હેલ્થ કાર્ડના આધારે ખાતરનો ઉપયોગ કરવા સમજ આપવી હતી. જ્યાં તાલીમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખેતીમાં ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી કરવા માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, દશ પરણી અર્ક અને સુઠાસ્ત્ર જેવા ઘરેલુ અસ્ત્રો દ્વારા રોગ-જીવાત નિયંત્રણની પદ્ધતિઓ ખેડૂતોને શીખવવામાં આવી હતી. આ ઉપરાંત, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓ અને ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના જેવી કલ્યાણકારી યોજનાઓથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મદદનીશ ખેતી નિયામક મનીષભાઈ ડાભી, વિસ્તરણ અધિકારી શિલ્પાબેન પટેલ, ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજર યોગેશ પટેલ સહિત ગ્રામ સેવકો, બ્લોક ટેક્નોલોજી મેનેજર અને કૃષિ મદદનીશોએ જહેમત ઉઠાવી હતી. આ તાલીમમાં ખેડૂતોની બહોળી હાજરી સુનિશ્ચિત કરવામાં કૃષિ સખી રાધાબેન બારીયાનું યોગદાન મહત્વનું રહ્યું હતું.







