ભરૂચ: શુક્લતીર્થના મેળા દોડાવેલી 730 એક્સ્ટ્રા ટ્રીપ થકી એસટી. વિભાગને રૂ.7.15 લાખની આવક થઈ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એસટી વિભાગે ઐતિહાસિક શુકલતીર્થની જાત્રામાં ચાર દિવસ બસોનું સંચાલન કરીને કુલ 730 ટ્રીપો કરીને રૂ.7.12 લાખની આવક મેળવી છે.જે ગત વર્ષ કરતા 3 લાખ ઉપરાંતની આવક મેળવી છે.જેના માટે એસટી વિભાગે મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો છે.
ભરૂચથી 17 કિલોમીટર દુર શુકલતીર્થ ગામ ખાતે દર વર્ષે કારતક સુદ અગિયારસથી જાત્રા અને મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજીત 4થી 5 લાખ યાત્રીઓ દર્શન અર્થે મેળામાં ઉમટી પડે છે.જેની મનોરંજનથી લાઈટ,પાણી અને સહિતની તમામ વ્યવસ્થાઓ શુકલતીર્થ ગ્રામ પંચાયત દ્વારા કરાય છે.આ મેળામાં બહારગામથી આવતા લોકોને મેળા સુધી લાવવા અને લઈ જવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા પણ સુચારુ આયોજન કરીને ચાર દિવસ માટે એક્સ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવે છે.
આ વર્ષે પણ ભરૂચ એસટી વિભાગ દ્વારા મેળો મહાલવા આવતા લોકોની સુવિધાઓ માટે ભરૂચના ડીવીઝન કન્ટ્રોલર આર.પી.શ્રીમાળી અને ભરૂચ સીટી સેન્ટર ડેપોથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાના માર્ગદર્શન હેઠળ ચાર દિવસ આયોજન કર્યું હતું.જેમાં 90 બસોથી 730 ટ્રીપોનું સંચાલન કરીને 16 હજાર કિલોમીટર ફરીને 21044 મુસાફરોને મુસાફરી કરાવી કુલ રૂ.7.12 લાખની આવક મેળવી છે.જેમાં મેળાના પ્રથમ દિવસે 80 ટ્રીપો અને દેવ દિવાળીના દિવસે સૌથી વધુ 300 ટ્રીપો કરાઈ હતી.આ મેળામાં ગયા વર્ષે એસટી વિભાગે 350 ટ્રીપો મારીને 10,500 મુસાફરો સાથે કુલ રૂ.3.68 લાખની આવક થઈ હતી.જ્યારે આ વર્ષે એસટી વિભાગને સારી આવક મળી હતી.જેને લઈને એસટી વિભાગના અધિકારીઓ અને કર્મીઓએ તમામ મુસાફરોને આભાર વ્યક્ત કર્યો હતો.



