વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા-24 એપ્રિલ : ભારતમાં દર વર્ષે ૨૪ એપ્રિલના રોજ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા “રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ(NPRD)” ઉજવવામાં આવે છે જે અંતર્ગત કચ્છ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ. જિલ્લા કક્ષાનાં કાર્યક્રમની ઉજવણી ભુજ તાલુકાની કુનરિયા જુથ ગ્રામપંચાયત ખાતે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત કચ્છના પ્રમુખશ્રી જનકસિંહ બી જાડેજા ઉપરાંત ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, જિલ્લા કારોબારી ચેરમેનશ્રી ઘેલાભાઈ ચાવડા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી દામજીભાઈ ચાડ, તાલુકા પંચાયત સામજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ મેરિયા વિગેરે પદાધિકારીઓએ હાજરી આપેલ. કાર્યક્રમની દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત બાદ કુનરિયા સરપંચશ્રી સુરેશભાઈ છાંગા દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ વિષે સમજ આપવામાં આવેલ જેમાં ગ્રામ પંચાયત કક્ષાની ભૂમિકા અને ભાગીદારી વિષે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા પંચાયતી રાજનું ગ્રામ્યકક્ષાએ મહત્વ અને ગ્રામીણ વિકાસ અને સ્થાનિક શાસનમાં જવાબદારી બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા. ઉપરાંત નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.આર પ્રજાપતિ દ્વારા પંચાયતી રાજમાં વિવિધ યોજનાઓ દ્વારા નાગરિકોને મળવા પાત્ર લાભ વિશે માહિતગાર કરવામાં આવ્યા. ત્યારબાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવેલ. કાર્યક્રમની સમાપન વિધિ તાલુકા વિકાસ અધિકારીશ્રી એસ.જી. ઉપલાણા દ્વારા કરવામાં આવેલ. કુનરિયા ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભુજ તાલુકા પંચાયતનાં સ્ટાફે ખાસ ગ્રામ સભામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.