
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – નવાગામ કંટાળુ ખાતે ઇસરી બારા આંજણા પટેલ સમાજનો દસમાં સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો
અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના ઇસરી બારા આંજણા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા ઇસરી બારા આંજણા પટેલ સમાજ સેવા ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ દસમા સમૂહ લગ્નોત્સવનું નવાગામ કંટાળુ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના વિવિધ ગામોના વર-કન્યાઓએ ઉત્સાહભેર ભાગ લઈને સમૂહ લગ્નની પરંપરાને આગળ વધારી હતી
આ સમૂહ લગ્નોત્સવમાં નવાગામ, રખાપુર, પટેલ છાપરા, ઇસરી, તરકવાડા, રેલ્લાવાડા અને કસાણા ગામોના કુલ 13 જોડકાઓએ લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત અર્બુદા પૂજન તથા ગણેશ પૂજન સાથે ધાર્મિક વિધિ મુજબ કરવામાં આવી હતી.સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જીતપુર ગામના ગ્રામજનો ભોજન દાતા તરીકે જોડાયા હતા તેમજ સમાજના દાતાઓ અને આગેવાનો દ્વારા પણ નોંધપાત્ર સહકાર આપવામાં આવ્યો હતો. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન દ્વારા આજના સમયમાં થતા ભારે લગ્ન ખર્ચમાં ઘટાડો થાય છે અને સમાજમાં સહકાર તથા એકતાની ભાવના મજબૂત બને છે.આ પ્રસંગે ગુજરાત રાજ્ય મંત્રી પી.સી. બરંડા, ઇસરી પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ દાતાઓ અને સહયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લગ્ન સમિતિના પ્રમુખ, કમિટીના સભ્યો, સમાજના આગેવાનો, ભૂદેવો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. ઉમિયા મંદિર મોડાસાના વિષ્ણુ પ્રસાદ દ્વારા નવદંપતિઓને આશીર્વચન આપવામાં આવ્યા હતા.
સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી સમૂહ લગ્નોત્સવમાં 125 થી વધુ યુગલો જોડાઈ ચૂક્યા છે અને આગામી સમયમાં વધુ લોકો જોડાય તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. અંતે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે પૂર્ણ થતાં સમાજ દ્વારા સહયોગ આપનાર સમાજના લોકો તેમજ સૌનો કોઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.







