Rajkot: મેરવદરના આરોપીને રાજકોટ, પોરબંદર અને જામનગર જિલ્લામાંથી ત્રણ માસ માટે હદપાર કરાયો
તા.૨૮/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં જાહેર વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઇસમોને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ તડીપાર કરવામાં આવે છે. જે અન્વયે હાર્દિક ઉર્ફે હાજો ઉકાભાઇ હમીરભાઈ બઢ (ઉ.વ. ૨૨, રહે. મેરવદર) માથાભારે છે, ઝનુની, તોફાની, તકરારી સ્વભાવના છે, તે દારૂ પીવે તથા વેચે છે. પ્રોહીબીશનના કાયદાનો વારંવાર ભંગ છે. તેની સામે વર્ષ ૨૦૨૨થી વર્ષ ૨૦૨૪ સુધીમાં પ્રોહીબીશન ધારાના ભંગ અને મારામારીના કુલ ૦૫ ગુના નોંધાયા છે અને આરોપી વિરુદ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશન અને મારામારીના ૦૩ ગુનાઓ બદલ કોર્ટે તેને સજા આપી છે.
આ ઈસમ ગુનાઈત પ્રવૃતિવાળો હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુનાઈત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ ન બને, આવી પ્રવૃત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનું વાતાવરણ ઉભું ન થાય અને જાહેર સલામતી જળવાય, તે હેતુસર તેને તાત્કાલિક હદપાર કરવાનું આવશ્યક જણાયું છે. જાહેર સુલેહ-શાંતિ વિરુદ્ધનાં કૃત્યો કરતો અટકાવવા ધોરાજી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી નાગાજણ એમ. તરખાલાએ ગત તા. ૨૭ મે, ૨૦૨૫ના રોજ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ હાર્દિક ઉર્ફે હાજો ઉકાભાઇ હમીરભાઈ બઢને ત્રણ માસ માટે રાજકોટ, પોરબંદર અને જામનગર જિલ્લામાંથી હદપાર કરવા હુકમ કર્યો છે, તેમ યાદીમાં જણાવાયું છે.