
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, તા. ૧૪ સપ્ટેમ્બર :- ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજયમાં તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલાં નોકરીમાં જોડાયેલ કર્મચારીઓ માટે સરકારશ્રી સાથે તા. ૧૬/૦૯/૨૦૨૨ના રોજ થયેલ સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવા અને તમામ કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સામેલ કરવા આગામી તા.૧૭ સપ્ટેમ્બર વડાપ્રધાનના જન્મદિનથી આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ આ દિવસે રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો OPSના લોગો ધારણ કરી શાળામાં ફરજ બજાવવના હતા સાથે તે દિવસની તમામ ઓનલાઇન કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવા આદેશ અપાયો હતો. ત્યારબાદ માસ ઓક્ટોબર-૨૦૨૪ ની તા.૬, ૧૩, ૨૦ અને ૨૭ તારીખે એટલે કે દર રવિવારે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ઝોન વાઈઝ એક દિવસીય ધરણાં કાર્યક્રમ બપોરે ૧૨ થી ૪ કલાક સુધી યોજવા જાહેરાત કરાઈ હતી.પરંતુ આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કર્મચારી મોરચા અને મહામંડળના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી જે ખૂબ હકારાત્મક રહી હોવાનું રાજ્ય કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને કર્મચારી મહામંડળના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું. હાલ દેશના વડાપ્રધાન પણ ગુજરાતના પ્રવાસે હોઇ બેઠક યોજાયા બાદ રાજ્ય સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે રજૂઆત મંત્રીમંડળના પાંચ સભ્યોની ટીમ સમક્ષ કરવામાં હતી. તે રજૂઆતોને લઈને સરકાર હરહંમેશ હકારાત્મક સતત ચિંતિત છે. મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓની લાગણી માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હરહંમેશ હકારાત્મક વલણ રહ્યું છે. કર્મચારીઓ ની તમામ માંગણીઓ મુખ્યમંત્રીના ધ્યાને મૂકવામાં આવી છે અને આગામી સપ્તાહમાં મંડળ સાથે વાટાધાટો બાદ યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રીએ પણ હકારાત્મક દિશામાં આગળની પ્રક્રિયા કરવાની સૂચના આપી છે. આવનારા સમયમાં પાંચ મંત્રીઓની ટીમ આ અંગે ચર્ચા કરશે જેમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ,શ્રી કુબેર ડિંડોર અને રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ,પ્રફુલ્લ પાનશેરિયા કર્મચારી મંડળના આગેવાનો સાથે પ્રશ્નોની ચર્ચા કરશે.તેમણે ઉમેર્યું કે, કર્મચારીઓના પ્રશ્નોનો આખરી નિર્ણય માટે આગામી સમયમાં કર્મચારીઓના પ્રશ્નોનો હકારાત્મક રીતે તેમજ સુખદ અંત આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના હકારાત્મક વલણને પરિણામે કર્મચારી મંડળ અને સયુંકત કર્મચારી મોરચા દ્વારા તા.૧૭મીનો આંદોલનનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય કરાયો હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, કેરણા આહિર, હરદેવસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.



