Navsari: ચીખલી તાલુકાના ગામોમાં વિકાસ રથનું આગમન ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી સ્થળ પર જ મેળવી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૨ ઓક્ટોબર:– સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં હાલ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જેમાં ચીખલી તાલુકાના ચાસા , મીણકચ્છ , ટાંકલ , સરેયા, ચિતાલી અને વાંઝણા ગામે વિકાસ રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર કુમકુમ તિલક અને હાર દ્વારા વિકાસ રથને વધાવી લીધો હતો.
ચીખલી તાલુકાના ગામમાં વિકાસ રથના આગમન સમયે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહી વિકાસ સપ્તાહની ઉજવણીના મહત્વ વિશે ગ્રામજનોને માહિતીગાર કર્યા હતા સાથે લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું હતું. ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી સ્થળ પર જ મેળવી હતી અને પોતાના અભિપ્રાયો આમંત્રિત મહેમાનો સમક્ષ વ્યક્ત કર્યા હતા. આ સાથે વિવિધ યોજનાકિય લાભો જેમાં આંગણવાડી કીટ, આવક પ્રમાણપત્ર, આવાસ, આયુષ્માન કાર્ડ, અને જમીનઆકારણી જેવા લાભો લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ઉક્ત સમારોહમાં આજુબાજુના ગામમાંથી પધારેલા આગેવાનો, લાભાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.