AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનો મોસમનો સરેરાશ વરસાદ ૬૨૭.૬૬ મી.મી. નોંધાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ

જિલ્લા પંચાયત હસ્તક આવેલ ખાતળ ફાટકથી ઘોડી રોડ અવરોધાયો

ગુજરાતનાં છેવાડે આવેલા વનચ્છાદિત ડાંગ જિલ્લામાં ચોમાસુ પૂરબહારમાં જામી ચૂક્યું છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ખેડૂતો પણ ખેતી કામમાં જોતરાઈ ગયા છે. જ્યારે વરસાદી વાતાવરણને નજીકથી જોવા, જાણવા, અને માણવા આવતા પ્રકૃતિપ્રેમી પર્યટકોએ પણ, ડાંગ ભણી દોટ મૂકી છે.

તા.૨૩/૭/૨૦૨૪ ના રોજ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી, એટલે કે સાંજના ૪ વાગ્યા સુધી ડાંગ જિલ્લામાં સરેરાશ ૬૨૭.૬૬ મી.મી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ડિઝાસ્ટર કંટ્રોલ કક્ષના ચોપડે નોધાયા પ્રથમ તારીખ ૨૩/૭/૨૦૨૪ ના રોજ સવારના ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી આહવા તાલુકામાં ૫૭ મી.મી વરસાદ નોંધાતા અહીં મોસમનો સરેરાશ ૬૦૯ મી.મી વરસાદ નોંધાયો છે. તો વઘઇ ખાતે ૫૬ મી.મી (મોસમનો કુલ ૭૩૯ મી.મી), અને સુબીર ખાતે ૫૫ મી.મી (મોસમનો કુલ ૫૩૫ મી.મી) વરસાદ નોંધાવા પામ્યો છે.

આ વરસાદને પગલે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનો એક માર્ગ, કોઝ-વે ઓવર ટોપિંગ થવાને કારણે ખાતળ ફાટકથી ઘોડી રોડ ઓવરોધાયો હતો. વાહન ચાલકો, રાહદારીઓ, અને પશુપાલકો તથા ખેડૂતોને તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા, વેકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.

જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહિ કરવા, નદી-નાળા-કોતરો કે જળધોધમા નહિ ઉતરવા, વરસાદી વ્હેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે, ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!