GUJARAT

ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વમાં 23 વર્ષીય યુવકનો કુવામાંથી મૃતદેહ મળતા ચકચાર મચી

તા.૦૭.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Fatepura:ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વમાં 23 વર્ષીય યુવકનો કુવામાંથી મૃતદેહ મળતા ચકચાર મચી

ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ (નાના ગડા કટારા ફળિયું) ગામે 23 વર્ષીય અશ્વિન બારીયાનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં કૂવામાંથી મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.મૃતક અશ્વિન, હરસિંગભાઈ રંગાભાઈ બારીયાના પુત્ર હતા. તેઓ ગત 6 જૂન, 2026 ના રોજ બપોરે જમીને ઘરેથી બહાર ગયા હતા. રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી અને તેમના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.બીજા દિવસે સવારે લગભગ છ વાગ્યે, અશ્વિનના પિતા કૂવા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને કૂવા નજીકથી અશ્વિનના ચંપલ અને પાકીટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ જોઈને તેમણે તાત્કાલિક પરિવારજનો અને ગ્રામજનોને જાણ કરી હતી.ગ્રામજનો અને પરિવારજનોએ ભેગા મળી કૂવામાં તપાસ કરતાં અશ્વિનભાઈનો મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસ ટીમ અને સ્થાનિકોની મદદથી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે ફતેપુરા સરકારી દવાખાનાના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ ઘટના અંગે મૃતકના પિતા હરસિંગભાઈ બારીયાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફતેપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, યુવકનું મોત કૂવાના પાણીમાં ડૂબી જવાથી અગમ્ય કારણોસર થયું હોવાનું સામે આવ્યું છે, અને પોલીસ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે

Back to top button
error: Content is protected !!