
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા- ૧૦ જુલાઈ : કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને જ્યાં જ્યાં પાણીના પ્રવાહના લીધે રસ્તાઓ કે કોઝવે ક્ષતિગ્રસ્ત થયા છે તેને પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છના માંડવી તાલુકાના મોડકૂબા ગામનો કોઝવે વરસાદના પાણીના લીધે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. પાણીના ભારે પ્રવાહથી ક્ષતિગ્રસ્ત થયેલા કોઝવેને રિપેર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કોઝવે ઉપર માટી અને મેટલનું પૂરાણ કરીને તેને લેવલ કરીને મોટરેબલ બનાવવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ રાજ્યની ટીમ દ્વારા પાણીનું ઓવરટોપિંગ બંધ થતાં જ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આ કોઝવેને રીપેર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાયો છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદની સ્થિતિના લીધે કચ્છમાં જે પણ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે તેને યુદ્ધના ધોરણે રીપેર, પેચવર્ક કરીને મોટરેબલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નાગરિકોને કનેક્ટિવિટી મળે તે હેતુથી સરકારના માર્ગદર્શન હેઠળ રોડ રસ્તાઓ રીપેરીંગની કામગીરી પ્રગતિમાં છે.












