નરેશપરમાર -કરજણ,
કરજણ તાલુકાના કરજણ વેમારડી રોડ ઉપર આઇનોસ કંપનીની સામે આવેલ એક નીલગીરી ના ખેતરમાં વિકૃત હાલતમાં બળીને ભડથું થઈ ગયેલી એક અજાણી ઈસમની લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના કરજણ – વેમારડી રોડ ઉપર આઈનોકસ કંપનીની સામે આવેલ એક નીલગીરીના ખેતરમાં નિત્યક્રમ મુજબ ખેતરમાં આવેલ ખેડૂતને બળીને ભડથું થઈ ગયેલી વિકૃત હાલતમાં એક મૃતદેહ જોવા મળ્યો હતો. જેની જાણ કરજણ પોલીસને કરવામાં આવતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મરણ જનાર ઇસમનું ખૂન કરી કોઈ જ્વલનશીલ પદાર્થ નાંખી મોંઢાનો ભાગ તથા છાતી, હાથ પગનો ભાગ અર્ધ સળગાવી તેમજ કમરની નીચેના ભાગ, પેટના ભાગેથી સંપૂર્ણ સળગાવી નાખી પુરાવાનો નાશ કરવા બાબતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા એફએસએલ તેમજ ડોગ સ્કોડની મદદ લેવામાં આવી છે. ઘટનાસ્થળે ભડથું થયેલ વિકૃત મૃત હાલતમાં મળી આવેલ મરણ જનાર ઈસમની લાશ ચત્તી હાલતમાં પડેલી હતી. પગનો અને માથાનો ભાગ સળગીને કાળો પડી ગયેલો, જીભ બહાર નીકળેલી હાલતમાં હતી. લાશના કમરના ભાગે કોપરની બોટલના ટુકડા સળગી ગયેલી હાલતમાં, કમરના સળગી ગયેલ ભાગ તરફ રાખમાં એક મોબાઇલ સળગીને છૂટો પડેલો, એક સ્ટીલનો ગ્લાસ તેમજ લાશની નજીક એક મોટર સાયકલના વ્હીલના નિશાન જોવા મળ્યા હતાં. લાશની આજુબાજુ સુકાયેલ કાળા, સફેદ તેમજ ક્રીમ તથા વાદળી રંગનું પ્રવાહી તથા સુકાયેલ અવશેષો પડેલા હતાં. મૃતદેહને જોતાં મરણ જનાર આશરે ૨૫ થી ૩૫ વર્ષના યુવાન પુરૂષની લાશ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.