ઇડરના લક્ષ્મણપુરા ખાતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટર શેડ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો

ઇડરના લક્ષ્મણપુરા ખાતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટર શેડ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો
**
જિલ્લામાં મંજુર થયેલા બે વોટરશેડ પ્રોજેકટમાં કુલ રૂ.૨૩.૯૭ કરોડના આયોજનમાં કુલ ૨૦ ગામોનો સમાવેશ
*
સાબરકાંઠામાં ઇડરના લક્ષ્મણપુરા ખાતે ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે પી પાટીદારની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના( વોટરશેડ ડેવલોપમેન્ટ કમ્પોનન્ટ ૨.૦) અંતર્ગત વોટર શેડ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે પી પાટીદારે જણાવ્યું હતું કે ભારત સરકારના ભૂમિ અને સંરક્ષણ વિભાગ તથા કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટરશેડ યોજના અમલી છે.ભારત સરકારના કેન્દ્રીયમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તા.૫/૨/૨૦૨૫ ના રોજ દેશભરમાં ૨૮ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વોટરશેડ યાત્રાનો દિલ્હીથી વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવવામાં આવ્યો હતો. સાથે જ રાજ્યમાં કેબીનેટ મંત્રીશ્રી રાઘવજી પટેલ દ્વારા વોટરશેડ યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. રાજ્યમાં વોટરશેડ યાત્રા ૧૬૦૦ કિમી અને ૧૦૧ ગામોમાં ફરી આજે સાબરકાંઠાના લક્ષ્મણપુરા ખાતે વોટરશેડ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો છે.
દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો મંત્ર રહ્યો છે કે પાણીની એક એક ટીપાંનો સદુપયોગ થાય. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને કેન્દ્રીયમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ તથા કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના અવિરત પ્રયાસો થકી ભૂગર્ભ જળ તથા વરસાદી જળ અને જમીન જેવા મુખ્ય કુદરતી સ્રોતના સંરક્ષણ, સંચય અને વ્યવસ્થાપન માટે ગુજરાત સરકારે અપનાવેલ ક્રાંતિકારી અભિગમ એટલે વોટરશેડ યોજના.જેનો મુખ્ય ઉદ્દેશ્યો સંકલિત વોટરશેડ મેનેજમેન્ટ દ્વારા વરસાદ આધારિત અને અધોગતિગ્રસ્ત જમીનની ઉત્પાદકતા વધારવાનો છે અને જથ્થા પર પાણીની ઉત્પાદકતા પર ભાર મૂકે છે.રાષ્ટ્રના ભવિષ્યને ધ્યાનમાં રાખી જળસ્તરમાં થતા ઘટાડા અંગે ચિંતીત રહી તેના બચાવ માટે પ્રયત્નો કરવા એ સૌની નૈતિક અને સામાજિક ફરજ છે.હાલમાં રાજ્યમાં ચાલતા કુલ ૫૧ પ્રોજેક્ટનાં ૪૧૯ ગામોમાં કુલ રૂ ૬૮૭.૮૦ કરોડ કામો પૂર્ણતાને આરે છે.સાબરકાંઠામાં ભૂમી અને ભેજ સરંક્ષણ તથા જળ સંચયના વિવિધ કામો થયેલ છે. સાથે જ આજીવિકા પ્રવૃત્તિ માટે સ્વ સહાય જૂથો આર્થિક રીતે પગભર થાય તેમજ પાક ઉત્પાદનમાં વધારો થાય જે હેતુથી વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે.
વર્ષ ૨૦૨૧-રર થી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (વોટરશેડ કમ્પોનન્ટ ૨.૦) હેઠળ સાબરકાંઠામાં કુલ બે પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં કુલ રૂા.૨૩.૯૭ કરોડ આયોજનમાં
જિલ્લાના ૨૦ ગામોનો સમાવેશ કરેલ છે. જે પૈકી વિજયનગરમાં વોટરશેડ કમ્પોનન્ટ ૨.૦/૦૧ જાલેટી પ્રોજેક્ટમાં ૧૪ ગામો અને ઈડરમાં વોટરશેડ કમ્પોનન્ટ ૨.૦/૦૧ મુડેટી પ્રોજેક્ટ માં છ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કુલ ૧૦૮૯૬ હેક્ટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ જળ લાવે ધન ધાન્ય અંગેની વિડિઓ કલીપ નિહાળી હતી. જીવનમાં જળના મહત્વ અંગે શાળાના બાળકો દ્રારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.વિવિધ પ્રતિનિધિઓએ વોટરશેડ અંગે પ્રતિભાવો રજૂ કર્યા હતા. સાથે જ વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા શાળાના બાળકો અને વોટરશેડ યોદ્ધાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ જમીન અને જળ સંરક્ષણની પ્રતિજ્ઞા લઈ વૃક્ષારોપણ કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં ઇડર તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાંતિભાઈ પટેલ, તલોદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી દશરથભાઈ ઝાલા,તાલુકા વિકાસ અધિકારીશ્રી ભરતભાઈ ચૌધરી,જળસ્ત્રાવ વિકાસ સમિતિ પ્રમુખશ્રી,ગામના સરપંચશ્રી,પ્રા.શાળાના આચાર્યશ્રી વિવિધ અગ્રણીશ્રીઓ તથા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
*
સાબરકાંઠામાં ઇડર તાલુકાના મુડેટી ખાતે જળસ્ત્રાવ વિકાસ સમિતિ પ્રમુખશ્રી દિનેશચંદ્ર દેસાઈ તથા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે પી પાટીદારની ઉપસ્થિતિમાં વોટરશેડ પ્રોજેક્ટ અંતર્ગત ચેકડેમનું ખાતમુહૂર્ત કરાયું હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા



