GUJARAT

ક્લીનીક-હોસ્પીટલ રજી.અંગે કલેક્ટરે રીવ્યુ કર્યો

જામનગરમાં ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ- 2021 ની જિલ્લા કક્ષાની નોંધણી સમિતિની સમીક્ષા બેઠક મળી

જામનગર (ભરત ભોગાયતા)

જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ- 2021 ની જિલ્લા કક્ષાની નોંધણી સમિતિની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં હાલમાં સપ્ટેમ્બર 2024 માસ સુધીમાં કરવામાં આવેલ કાર્યવાહીની ચર્ચા કરવામાં આવી હતી. સમિતિમાં વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય વિભાગ, રાજકોટ, કાયદા અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, જામનગર અને દરેક પથી (ઉપચાર પદ્ધતિ) ના એસોસીએશનના પ્રમુખશ્રીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં શહેર અને ગ્રામ્ય એમ બંને વિસ્તારોમાં 700 થી વધુ કલીનીકો આવેલા છે. જે તમામને આ કાયદા અનુસાર સત્વરે રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવવા માટે ઈ- મેઈલ, વર્તમાનપત્રો તેમજ જે- તે વિસ્તારના આરોગ્ય અધિકારીશ્રી મારફતે જાણ કરવામાં આવેલ છે. ગત તારીખ 27-06-2024 ના રોજ તમામ સરકારી અને ખાનગી સારવાર કરતી અને મેડીકલ સંસ્થાઓને આ કાયદાની જાણકારી આપવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં જિલ્લામાંથી કુલ 55 જેટલી હોસ્પિટલોએ રજીસ્ટ્રેશન કરાવવા માટે અરજી કરેલી છે. જેની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ શરુ થવાનું હોય, આ પોર્ટલ શરુ થયા બાદ તમામ મેડીકલ સંસ્થાઓ પોતાનું રજીસ્ટ્રેશન મોડામાં મોડું આગામી તારીખ 31/12/2024 સુધીમાં ફરજિયાતપણે કરાવી લે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ છતાં કોઈ હોસ્પિટલ કે મેડીકલ સંસ્થા રજીસ્ટ્રેશન કરાવવા માટેની કાર્યવાહી ન કરે તો ઉપરોક્ત એક્ટની જોગવાઈઓ અનુસાર તેમને દંડની કાર્યવાહી શરુ કરવા અંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.

ઉક્ત સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, ગુરુ ગોવિંદસિંધ સરકારી હોસ્પિટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી ડો.દીપક તિવારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.ભાયા, શ્રી એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન શ્રી ડો.નંદિની દેસાઈ, ડિસ્ટ્રીક્ટ સર્વેલન્સ ઓફીસરશ્રી ડો.સંદીપ રાઠોડ, વિભાગીય નાયબ નિયામકશ્રી રાજકોટ, ઈન્ડિયન મેડીકલ એસોસીએશન, બીએસએએમ/ બીએએમએસ મેડીકલ પ્રેકટીશનર એસોસીએશન, હોમીયોપેથિક મેડીકલ એસોસીએશન, ઈન્ડિયન ડેન્ટલ એસોસીએશન, જામનગરના પ્રમુખશ્રીઓ તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

_________________________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!