Rajkot: રાજકોટમાં તા. ૬ ઓગસ્ટના રોજ યોજાનારી સંસ્કૃત ગૌરવ યાત્રા

તા.૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિવિધ ટેબ્લો, ઋષિમુનિઓની વેશભૂષા સાથે બાળકો, સંસ્કૃત રાસ-ગરબા અને ગીતોની પ્રસ્તુતિ કરશે
Rajkot: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત શિક્ષણને મહત્વ પ્રદાન કરવા તમામ શાળાઓ (પ્રાથમિક, માધ્યમિક, ગ્રાન્ટેડ, ખાનગી) મહાવિદ્યાલયો, જન સામાન્યમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ, સંવર્ધન થાય તેવા હેતુ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં તા. ૬ ઓગસ્ટના રોજ સવારે ૮ કલાકે ન્યુ એરા સ્કૂલ, રૈયા રોડથી નીકળી અને જિલ્લા પંચાયત ચોક સુધી પ્રસ્થાન કરશે.
વિવિધ શાળા-મહાશાળાઓ દ્વારા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તેવા ટેબ્લો, વિવિધ ઋષિમુનિઓની વેશભૂષા સાથે બાળકો, સંસ્કૃત રાસ-ગરબા અને ગીતોની પ્રસ્તુતિ સાથે યાત્રા આગળ વધશે. (૧) સંસ્કૃતનું વૈજ્ઞાનિક મહત્વ (સાયન્સ ઇન સંસ્કૃત) (૨) સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ અને માહેશ્વર સૂત્રો (૩) પ્રાચીન ભારતની ધરોહર વલ્લભી વિદ્યાપીઠ (૪) સંસ્કૃતમાં રચાયેલ સાહિત્ય વગેરે વિષયો પર ટેબ્લો રજૂ થશે. યાત્રા દરમિયાન સંસ્કૃત ગુરુકુળના વિદ્યાર્થીઓ વેદ જ્ઞાન મંત્રોચ્ચાર સાથે રજૂ કરશે. સમગ્ર યાત્રામાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
યાત્રાના સ્થળે ન્યુ એરા સ્કૂલમાં ૬ ઓગસ્ટે સંસ્કૃત ભારતીના સહયોગથી સંસ્કૃત પ્રદર્શન, સંસ્કૃત ગ્રંથ પ્રદર્શન અને વિવિધ ચિત્રાત્મક રજૂઆતો કરવામાં આવશે. તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ અને ૯ થી ૧૨ માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા, સ્તોત્ર ગાન સ્પર્ધા, વકૃતત્વ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવશે. શહેર કક્ષાની સ્પર્ધા તા. ૫ ઓગસ્ટે જી.કે. ધોળકિયા સ્કૂલ, પંચાયત ચોક મુકામે સવારે ૯ કલાકે રાખવામાં આવેલ છે. સંસ્કૃત સપ્તાહ દરમિયાન તા.૬ઓગસ્ટે સંસ્કૃત ગૌરવ યાત્રા અને તા. ૭ ઓગસ્ટે સંસ્કૃત સંભાષણ દિન અને તા. ૮ ઓગસ્ટે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરવામાં આવશે.
સમગ્ર યાત્રાનો હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત સંસ્કૃત ભાષાને મુખ્ય ધારામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધી અનિવાર્યરૂપે સામેલ કરવાનો છે. ગુજરાત સરકાર અને સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમનો લાભ વિદ્યાર્થીઓ અને ઘર-ઘર સુધી સંદેશો પહોંચે તે હેતુસર આ યાત્રા યોજાશે. યોજના પંચકમની મુખ્ય બાબતો નીચે મુજબ છે.
૧. સંસ્કૃત સપ્તાહ ઉત્સવ યોજના: રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક સંસ્કૃત સપ્તાહ અને રક્ષાબંધનનો દિવસ સંસ્કૃત દિવસ તરીકે ઉજવવાની પહેલ
૨. સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના: વિવિધ સંસ્કૃત કાર્યક્રમ માટે સંસ્થાઓ સંશોધકો અને શિક્ષકોને સંસ્કૃતના પ્રચાર માટે નાણાકીય સહાય
૩. સંસ્કૃત પ્રોત્સાહન યોજના: માધ્યમિક કક્ષાએ સંસ્કૃત માટે વિદ્યાર્થી શિક્ષક અને શાળાઓને પ્રોત્સાહન
૪. શ્રીમદ્ ભગવદ ગીતા યોજના: શ્રીમદ ભગવત ગીતા ગ્રંથથી બાળકો-વૃદ્ધ સૌ જીવન જીવવાની સાચી દિશા પર ચિંતન કરતા થાય અને ગીતા કંઠસ્થ કરવા માટે પ્રોત્સાહન.
૫. શતમ સુભાષિત કંઠપાઠ યોજના: નૈતિક મૂલ્યોના સિંચન માટે ૧૦૦ સુભાષિતો કંઠસ્થ કરવા માટે સૌને પ્રોત્સાહન.


