વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વિશે વાત કરીએ તો આ ચૂંટણીઓમાં ખાસ કરીને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ, રાજકારણમાં પ્રવેશ માટેનું પ્રથમ સોપાન મનાય છે.આ ચૂંટણીઓ નાનામાં નાના સ્તરે લોકશાહીને જીવંત રાખે છે.અને આ ચૂંટણીમાં એક એક મતનું મૂલ્ય જળવાઈ રહે છે.સાથે સામાન્ય નાગરિકોને પણ રાજકીય પ્રક્રિયાનો હિસ્સો બનવાની તક મળી જાય છે.જોકે, આ વખતે ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે.જે રાજકીય પક્ષોના સિદ્ધાંતો અને તેમના જ નેતાઓના આચરણ વચ્ચેના તફાવતને ઉજાગર કરે છે.રાજકીય પક્ષો “એક કુટુંબ, એક હોદ્દો” જેવા સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમના જ કેટલાક આગેવાનો તેમની પત્નીઓને ગ્રામ પંચાયતની ચૂંટણી લડાવી રહ્યા છે.આ પરિસ્થિતિ “ઝુકેગા નહીં, સત્તા લે કે રહેગા” અને “નસીબ કે નામ પે ચૂંટણીમાં સટ્ટા લગાયેગા” જેવી માનસિકતાને પણ પ્રતિબિંબિત કરે છે, જ્યાં સત્તા મેળવવા માટે કોઈપણ હદ સુધી જવાની તૈયારી જોવા મળે છે.ડાંગ જિલ્લામાં આવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે જ્યાં રાજકીય રીતે પ્રભાવી વ્યક્તિઓએ પોતાના પરિવારના સભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે,જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.વઘઈ તાલુકાના બાજ ગામે તાલુકા પંચાયતના સભ્યનાં પતિ મોહનભાઈ સરપંચ પદના ઉમેદવાર છે.આ બાબત દર્શાવે છે કે કેવી રીતે એક જ પરિવારમાં રાજકીય હોદ્દાઓનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે.સુબીર તાલુકાનાં મહિલા પ્રમુખ પોતે સાવરદા ગામથી સરપંચ પદના ઉમેદવાર છે. અહીં નોંધનીય બાબત એ છે કે જો તેઓ સરપંચ તરીકે ચૂંટાય છે, તો તેમને કાયદાકીય રીતે પોતાનો એક હોદ્દો છોડવો પડશે.આ સૂચવે છે કે સરપંચનું પદ તાલુકા પ્રમુખના પદ કરતાં વધુ વર્ચસ્વ ધરાવતું હોઈ શકે છે, અથવા તો સ્થાનિક સ્તરે સીધો જનાધાર મેળવવાનો રાજકીય હેતુ હોઈ શકે છે.ડાંગ જિલ્લા સંગઠનના સર્વેસર્વા એક નેતાએ પણ હદ વટાવી છે.ભૂતકાળમાં પોતે ગ્રામ પંચાયતની ચૂંટણી હારી ગયેલા હોવા છતાં, તેમણે આ વખતે પોતાની પત્નીને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે લડાવી છે.આ ઘટના રાજકીય પક્ષોમાં “વંશવાદ” અને સત્તા માટેની લાલસાને સ્પષ્ટપણે દર્શાવે છે.આ ત્રણેય રાજકીય હસ્તીઓ માટે આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓનાં પરિણામો અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે.જો તેઓ ચૂંટણી હારી જાય છે,તો તેઓ જે રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે, તેની આગેવાની અને નીતિઓ પર પ્રશ્નાર્થ સર્જાશે.આ પરાજય માત્ર વ્યક્તિગત હાર નહીં, પરંતુ પક્ષની નીતિઓ અને નેતાઓની જનાધાર પરની પકડ પર પણ સવાલ ઉભા કરશે.આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના પરિણામો માટે પણ આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામો દિશાસૂચક બનશે.જો આ હાઈ-પ્રોફાઈલ ઉમેદવારોને પરાજયનો સામનો કરવો પડે છે, તો સંબંધિત પક્ષોને આત્મચિંતન કરવું પડશે અને પોતાની નીતિઓ તથા કાર્યપદ્ધતિમાં સુધારો લાવવો પડશે.આ ઘટનાઓ રાજકીય પક્ષોને યાદ અપાવે છે કે લોકશાહીમાં જનાદેશ સર્વોપરી છે અને માત્ર નામના આધારે નહીં, પરંતુ વાસ્તવિક કાર્યો અને સિદ્ધાંતોના આધારે જ લોકોનો વિશ્વાસ જીતી શકાય છે.આ ચૂંટણીઓ દર્શાવે છે કે ગ્રામ પંચાયત સ્તરે પણ રાજકારણ કેટલું ગરમાગરમ અને મહત્ત્વાકાંક્ષી બન્યું છે, જ્યાં નેતાઓ પોતાના વચનો અને વાસ્તવિક આચરણ વચ્ચેના અંતરને ભૂલીને સત્તાની ખેંચતાણમાં પરિવારજનોને જીતાડવામાં વ્યસ્ત બન્યા છે.જે આવનાર દિવસોમાં ચિંતાજનક બાબત કહી શકાય તેમ છે..