
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૧૯ ફેબ્રુઆરી : ભુજ ઘટક-૩ના ધાણેટી સેજા હેઠળના આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈને પ્રોગ્રામ ઓફિસર દશરથ પંડ્યા દ્વારા આંગણવાડીઓના રિનોવેશન અને બાળકોના આરોગ્યની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન પ્રોગ્રામ ઓફિસરશ્રીએ પધ્ધર-૨ અને મમુઆરા-૧ આંગણવાડી કેન્દ્રોમાં ચાલી રહેલા રિનોવેશનના કામની સમીક્ષા કરી હતી. પધ્ધર-૨માં ટાઇલ્સ અને પેવર બ્લોકની કામગીરી પૂર્ણ થયેલ જોવા મળી હતી. જ્યારે મમુઆરા-૧માં સેનિટેશન અને છત રિપેરિંગની કામગીરી પર ભાર મુકવામાં આવ્યો હતો. તેઓએ ખાસ સૂચના આપી હતી કે આંગણવાડીઓમાં ‘બાલા પેન્ટિંગ’ (Building as a Learning Aid) ICDSના નિયમો મુજબ જ કરવામાં આવે જેથી બાળકો રમત-ગમત સાથે શિક્ષણ મેળવી શકે.મમુઆરા-૨ આંગણવાડી કેન્દ્રમાં ‘મમતા દિવસ’ નિમિત્તે પ્રોગ્રામ ઓફિસર એ સ્વયં હાઈ-રિસ્ક સગર્ભા માતાઓ અને કુપોષિત બાળકો (SAM, MAM, SUW, MUW) ની આરોગ્ય તપાસની વિગતો મેળવી હતી અને તેમને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આંગણવાડી કેન્દ્રોમાં અપાતા પોષણક્ષમ નાસ્તાના મેનુ અને બાળકોની હાજરીની પણ તપાસ કરવામાં આવી હતી. વધુમાં, નેગેટિવ ટ્રાન્ઝેક્શન ધરાવતા બાળકોના ડેટામાં સુધારો કરી તેમને પોઝિટિવ ટ્રાન્ઝેક્શન (વજન-ઊંચાઈમાં સુધારો)માં લાવવા માટે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.





