પાટડીનાં ખેડુતોએ જાતે જ ખારાઘોડા બ્રાંચ કેનાલની સફાઇ કરી અંદાજે ત્રણ ટ્રેકટરો જેટલો કચરો બહાર કઢાયો

તા.02/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
નર્મદા વિભાગ દ્વારા અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં પાટડીના ખેડૂતોએ જાતે જ ખારાઘોડા બ્રાન્ચ કેનાલની સફાઈ કરી હતી આ સફાઈ દરમિયાન અંદાજે ત્રણ ટ્રેક્ટર જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો પાટડીમાંથી પસાર થતી ખારાઘોડા બ્રાન્ચ કેનાલમાં ભારે ગંદકી જમા થવાને કારણે આગળના વિસ્તારોમાં પાણી પહોંચી શકતું નહોતું આ સમસ્યાને કારણે ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચતું નહોતું જેનાથી પાકને નુકસાન થવાનો ભય હતો આ અંગે સ્થાનિક ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી હતી ખેડૂતોએ જેસીબી મશીન અને મજૂરો દ્વારા કેનાલની સઘન સફાઈ કરાવવા વિનંતી કરી હતી પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી ખેડૂતોને તેમના પાક માટે છેલ્લા પાણીની તાત્કાલિક જરૂર હતી કેનાલમાં ગંદકીના કારણે છેવાડાના વિસ્તારો સુધી પાણી ન પહોંચતા ખેડૂતોએ “જાત મહેનત જિંદાબાદ”ના સૂત્રને સાર્થક કરતા જાતે જ કેનાલ સાફ કરવાનું નક્કી કર્યું પાટડીના ખેડૂત મનીષ દશરથભાઈ પટેલે જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવાથી ખેડૂતો અકળાયા હતા પાટડી તળાવ પાસેની ખારાઘોડા બ્રાન્ચ કેનાલોમાં જમા થયેલી ગંદકી દૂર કરવા માટે અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાયા નહોતા રોષે ભરાયેલા ખેડૂતોએ પાવડા અને કોદાળી જેવા સાધનો લઈને કેનાલની સફાઈ શરૂ કરી હતી આ સ્વયંભૂ સફાઈ અભિયાન દ્વારા કેનાલમાંથી મોટા પ્રમાણમાં કચરો દૂર કરવામાં આવ્યો હતો જેથી પાણીનો પ્રવાહ સુચા બની શકે પાટડીના ખેડૂત નવઘણ ચેલાજી ઠાકોરે જણાવ્યું હતું કે નર્મદા વિભાગ દ્વારા કેનાલોનો કચરો બહાર ના કઢાતા આ વિસ્તારના બધા ખેડૂતોએ એકસંપ કરીને કેનાલોમાંથી ત્રણથી ચાર ટ્રેક્ટરો ભરાય એટલો કચરો બહાર કાઢ્યો હતો અને આ તમામ કચરો કેનાલમાંથી બહાર કાઢતા ખેડૂતોને પુરૂ એક અઠવાડીયાનો સમય લાગશે.




