
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચૌકયા ગ્રુપ ગ્રામ પંચાયતનાં ગારમાળ ગામ ખાતે મજૂરીનાં પૈસા ન આપવા બાબતે ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય અને પિતા – પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો અને બોલાચાલી થઈ હતી જેમાં મામલો ઉગ્ર બનતા પિતા પુત્ર એ ગ્રામ પંચાયતના સભ્યને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આહવા તાલુકાનાં ગારમાળ ગામ ખાતે રહેતા રમેશ મોહનભાઈ પવાર છેલ્લા ત્રણ વર્ષથી ચૌકયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ફરજ બજાવે છે. ત્યારે ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈ પોતાના ઘરે હાજર હતા તે વેળાએ ગામના જ શાંતારામ સોનુભાઇ પવાર તથા રાજુભાઈ શાંતારામ પવાર (બંન્ને રહે. ગારમાળ તા.આહવા જી.ડાંગ ) તેમના ઘરે આવેલ અને રાજુભાઇ એ સભ્યને જણાવેલ કે,” મારા તથા મારા પિતાના મજુરીના નિકળતા ચાર હજાર રૂપીયા આપી દો.” ત્યારે ગ્રુપ ગ્રામ પંચાયત સભ્ય રમેશભાઇએ ટુક સમયમાં રૂપીયા આપી દઇશ એમ જણાવ્યુ હતું.પરંતુ રાજુભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતા અને રૂપીયા આપી દેવા તેમ જણાવતા હતા.જેથી ગ્રુપ ગ્રામ પંચાયત સભ્ય રમેશભાઈએ જણાવેલ કે,” હાલ મારી પાસે રૂપીયા નથી .” ત્યારે રાજુભાઇ એકદમ ઉંચા અવાજે વાત કરવા લાગ્યા હતા અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા.તેમજ બાજુમાં પડેલ લાકડીથી રમેશભાઈના ડાબા હાથના આંગળીના ભાગે તથા ખભાના ભાગે માર મારવા લાગેલ અને રાજુભાઈના પિતાએ પણ આવીને રમેશભાઈને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા. જોકે ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈના પરિવારના સભ્યો ત્યાં આવી જતા રમેશભાઈને વધુ માર મારવાથી બચાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ જતા જતા આ બંન્ને બાપ – દિકરા રમેશભાઈને જણાવેલ કે,”જો તમો અમારા નિકળતા રૂપીયા ન આપશો તો તને જાનથી મારી નાખીશુ.” તેમ કહી પોતાના ઘરે જતા રહેલ હતા. જોકે ત્યારબાદ આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં સાપુતારા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..



