
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૫ જુલાઈ : ગુજરાત સરકાર દ્વારા “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૩૦° અભિયાન અતર્ગત કચ્છ જિલ્લામાંથી વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મુલન કરવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લાના તમામ ગામો અને શહેરી વિસ્તારોમાં ૧૦૦૦ ની વસ્તીએ મેલેરિયાના કેસનું પ્રમાણ વર્ષ ૨૦૨૭ સુધીમાં શુન્ય સ્તરે લઇ જવા જિલ્લા આરોગ્ય તંત્ર સંકલ્પબદ્ધ છે. ત્યારે કચ્છમાં રોગ અટકાયત પગલા હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં હાઉસ ટુ હાઉસ અભિયાન બે તબક્કાઓમાં હાથ ધરવામાં આવ્યું છે.જિલ્લાના તમામ ગામો અને શહેરી વિસ્તારમાં “હાઉસ ટુ હાઉસ” અભિયાન બે તબક્કાઓમાં હાથ ધરવામાં આવ્યું છે જેમાં પ્રથમ તબક્કામાં તા.૨૨/૪/૨૪ થી તા.૨/૫/૨૪ દરમિયાન દૈનિક ૧૨૨૭ ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.. આ ટીમો દ્વારા ૪૯૦૦૬૨ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. તે પૈકી ૨૭૬૯ ઘરોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા આરોગ્યની ટીમ દ્વારા આ પોરાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં ૧૭૨૬૬૬૫ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થાનો જણાતા તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. હાઉસ ટુ હાઉસ અભિયાનના પ્રથમ તબક્કા દરમિયાન ૨૦૧ ખાડા – ખાબોચીયામાં માટી પુરાણ કરાવી તથા જ્યાં જરૂરિયાત જણાય ત્યાં લાર્વીસાઈડના ઉપયોગથી મચ્છર ઉત્પતિ સ્થાનો નાબુદ કરવામાં આવ્યા હતા. તેમજ ૯૯૦૪ તાવના દર્દીઓનાં લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.બીજા તબક્કામાં તા.૨૦ /૫ /૨૪ થી તા.૩૦ /૫/૨૪ દરમિયાન કુલ દૈનિક ૯૧૪ ટીમ દ્વારા ૪૯૭૦૬૫ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. તે પૈકી ૨૨૪૧ ઘરોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા. ટીમ દ્વારા આ પોરાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં ૧૭૯૦૭૬૧ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનો જણાતા તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. હાઉસ ટુ હાઉસ અભિયાનના બીજા તબક્કા દરમિયાન ૯૩૮ ખાડા – ખાબોચીયામાં માટી પુરાણ કરાવી તથા જ્યાં જરૂરિયાત જણાય ત્યાં લાર્વીસાઈડના ઉપયોગથી મચ્છર ઉત્પતિ સ્થાનો નાબુદ કરવામાં આવ્યા હતા તેમજ ૧૦૭૧૭ તાવના દર્દીઓ મળી આવતાં તેઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.


