વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી કલેકટર કચેરીની બિલકુલ નજીક છેલ્લાં 30 વર્ષથી ચાલતા એક ગેરકાયદેસર દબાણને આખરે વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે. આ દબાણ દૂર કરવા માટે તંત્રએ અનેક નોટિસો અને ચેતવણીઓ આપી હતી, પરંતુ તેનું પાલન ન થતાં આખરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ગેરકાયદેસર દબાણ ‘શબનમ ચિકન સેન્ટર’ ના સંચાલકો દ્વારા કરવામાં આવ્યું હતુ.આ સેન્ટર દ્વારા જાહેર રસ્તા પર જ એક મોટું બાંધકામ કરી દેવાયું હતુ.જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. આ દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી. છેલ્લાં ત્રણ દાયકાથી આ સ્થિતિ યથાવત હતી અને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી.વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. દબાણ દૂર કરવા માટે પ્રથમ તબક્કામાં શબનમ ચિકન સેન્ટરના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં તેમને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લેવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ નોટિસની અવગણના કરવામાં આવી.આ પછી પણ તંત્ર દ્વારા નોટિસ પણ મોકલવામાં આવી, પરંતુ તેનો કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.આખરે, તંત્રએ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો.
જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓએ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચીને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.આ કાર્યવાહી દરમિયાન જેસીબી મશીનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે બનેલા બાંધકામને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું હતું. આ દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.આ કાર્યવાહી બાદ હવે કલેકટર કચેરી નજીકનો માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો થઈ ગયો છે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં પણ જાહેર માર્ગ પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે વહીવટી તંત્ર દ્વારા આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રનો આ નિર્ણય દબાણ કરનારાઓ માટે એક સખત ચેતવણીરૂપ છે અને તે કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાના તંત્રના મક્કમ ઈરાદાને દર્શાવે છે..