GUJARATKUTCHMANDAVI

ધોરડોના સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ૨૦૨૫નો ઉત્સાહભેર પ્રારંભ.

૯ દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના ૫૦થી વધુ કાઈટિસ્ટે અવનવી પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા-૧૩ જાન્યુઆરી : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૫નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ૯ આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ સહિત વિવિધ દેશમાંથી આવેલા કાઈટિસ્ટોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારીને આવકાર અપાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને કાર્યક્રમના અધ્યક્ષશ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનથી આજે કચ્છના સફેદ રણને જોવા દેશ- વિદેશથી લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમાં દર વર્ષે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ આકર્ષણના કેન્દ્ર સાથે ગુજરાતની સંસ્કૃતિનો પ્રતીક બન્યો છે. રાજ્ય સરકારના પ્રયાસથી આજે સફેદ રણ દુનિયાભરમાં જાણીતું બન્યું છે. આ પ્રસંગે ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતના દરેક ઉત્સવ પાછળ એક વિજ્ઞાન છૂપાયેલું છે. ઉત્તરાયણ પર્વના મહત્વને ધારાસભ્યશ્રીએ સમજાવીને કચ્છના સફેદ રણમાં પધારેલા વિવિધ દેશોના કાઈટિસ્ટોને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ દેશ સહિત ભારતીય પતંગબાજોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ઉતરાયણ એ દેશ અને ગુજરાત રાજ્ય માટે મહત્વનો પવિત્ર તહેવાર છે. ધોરડો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ દરમિયાન બેલારુસ, ભૂતાન, ઈન્ડોનેશિયા, ડેન્માર્ક, હંગેરી, માલ્ટા, સ્લોવેનિયા, તુર્કી, ટ્યૂનિશિયા દેશના આંતરરાષ્ટ્રીય કાઈટિસ્ટ તેમજ મહારાષ્ટ્ર, સિક્કીમ, વેસ્ટ બંગાળ રાજ્યોના કાઈટિસ્ટ અને કચ્છ જિલ્લાના કાઈટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતી ડાન્સની પ્રસ્તુતિને વિદેશી કાઈટિસ્ટ સહિત મહાનુભાવોએ બિરદાવી હતી. આ પ્રસંગે ધોરડો સરપંચશ્રી મિયાં હુસેન, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાલાભાઈ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, સોમનાથ ડિસ્ટ્રિક્ટ જજ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનિલ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્શી હાશ્મી, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી અરૂણ શર્મા, બીએસએફના અધિકારીશ્રી સાજન સીટી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું.

Back to top button
error: Content is protected !!